Western Times News

Gujarati News

દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેરઃ પ્રથમવાર એક દિવસમાં પાંચ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા

નવીદિલ્હી, તહેવારોની સીઝનમાં દેશની રાજધાની દિલ્હી શું કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ઝપટમાં આવી ગઇ છે.આંકડા તો તે તરફ ઇશારો કરી રહ્યાં છે. પ્રથમવાર દિલ્હીમાં એક દિવસમાં સંક્રમણના પાંચ હજારથી વધુ કેસ સામે આવ્યા છે એક દિવસ પહેલા નીતિ આયોગના સભ્ય વી કે પાલે જણાવ્યું હતું કે દિલ્હી કરેલ અને પશ્ચિમ બંગાળ કોરોના સંક્રમણની ત્રીજી લહેર તરફ વધી રહ્યાં છે.

દિલ્હીમાં કોરોનાના નવા કેસ જુલાઇથી ઘટવા લાગ્યા હતાં એક સમયે તો એકિટવ કેસની સંખ્યા ૧૦ હજારથી નીચે પહોંચી ગઇ હતી ત્યારબાદ કરોના સંક્રમણની બીજી લહેર શરૂ થઇ આ મહિનાની શરૂઆતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે લાગે છે કે દિલ્હીમાં કોરોનાની બીજી લહેર પણ પસાર થઇ ચુકી છે

પરંતુ હવે અચાનક પાછલા થોડા દિવસથી નવા કેસની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે.હજુ સત્તાવાર રીતે કંઇ કહેવામાં આવ્યું નથી પરંતુ હાલના આંકડા ઇશારો કરી રહ્યાં છે કે દિલ્હીમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર શરૂ થઇ ગઇ છે.

દિલ્હીમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસમાં અચાનક તેજી આવી છે હેલ્થ ડિપાર્ટમેન્ટ બુલેટિન પ્રમાણે દિલ્હીમાં કોવિડ ૧૯ના ૫,૬૭૩ નવા કેસ સામે આવ્યા છે. આ અત્યાર સુધી કોઇ એક દિવસમાં સંક્રમણના નવા કેસનો સૌથી મોટો આંકડો છે. આ સાથે દિલ્હીમાં કોરોનાથી કુલ સંક્રમિતોની સંખ્યા ૩.૭ લાખને પાર થઇ ચુકી છે.

દિલ્હીમાં વધુ ૪૦ લોકોના મોત થયા છે આ સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધી કોરોનાથી કુલ ૬૩૯૬ દર્દીઓના મૃત્યુ થયા છે. એ યાદ રહે કે મંગળવારે ૪૮૫૩ નવા કેસ સામે આવ્યા હતાં જયારે સોમવારે દિલ્હીમાં ૨૮૩૨ નવા કેસ નોંધવામાં આવ્યા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.