દિલ્હીમાં ખાદ્ય ચીજોના ભાવ આસમાને, દૂધનો ભાવ ૨૦૦ રૂપિયા
નવીદિલ્હી: હિંસાનો સામનો કરી રહેલા નોર્થ ઈસ્ટ દિલ્હીના લોકોની મુશ્કેલી વધી રહી છે. હિંસાથી ગમે તે રીતે જીવ બચાવતા લોકોની પાસે હવે ખાદ્ય પદાર્થોની અછત વર્તાઈ રહી છે. જેના કારણે જીવન જરૂરી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. માણસના રોજબરોજની જરૂરીયાત એવા દૂધની ભાવ ૨૦૦ રૂ. લિટરના પહોંચી ગયો છે. લોકોના ઘરમાં સ્ટોર કરેલ શાક, લોટ, દાળ વગેરે જેવો સામાન પૂર્ણ થઈ ગયો છે અને આસપાસના વિસ્તારોમા પણ કંઈ જ મળી રહ્યું નથી.
નોર્થ ઈસ્ટ દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ૭૨ કલાકથી સ્થિતિ ખરાબ છે. દુકાનો સળગાવવામાં આવી રહી છે અથવા લોકોને લૂંટી લેવામાં આવી રહ્યા છે.લારી-ગલ્લાવાળાઓનો માલ સામાન પણ લૂંટી લેવામાં આવ્યો છે. અમુક લોકો ડરના કારણે ઘરની બહાર નીકળી શકતા નથી. આ પરિસ્થિતિમાં લોકોને શાક, લોટ, દાળ વગેરે જેવી ખાદ્યપાદાર્થોની પણ અછત વર્તાવા લાગી છે.
ચાંદબાગમાં રહેનાર એક રહેવાસીએ જણાવ્યું કે, દૂધ અમુક જ જગ્યાઓ પર મળી રહ્યું છે અને ત્યાં પણ તેનો ભાવ ૨૦૦ રૂપિયા પ્રતિ લીટર છે. તેમણે જણાવ્યું કે, ‘લોકો ઘરોમાં કેદ છે અને જીવન જરૂરીયાતની વસ્તુઓ માટે વલખા મારી રહ્યા છે. દૂધ અને શાકભાજી શોધવું તો ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે. સામાન લેવા માટે લોકો યમુના વિહાર સુધી ગયા પરંતુ ત્યાં પણ કંઈ મળ્યું નહીં. લોકો શાહદરા જવાથી બચી રહ્યા છે
કારણ કે આમ કરવું જોખમોથી ભરેલું છે.’ખજૂરીના રહેવાસીએ જણાવ્યું કે, ત્યાં પણ સ્થિતિ સમાન જ છે. દૂધ, બ્રેડ જેવી જીવન જરૂરીયાતની વસ્તુઓ લેવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. યમુના વિહારમાં રહેનાર એક વ્યક્તિએ જણાવ્યું કે, તેમના વિસ્તારમાં પણ સ્થિતિ આવી જ છે.દૂધ નક્કી કરેલ ભાવથી બમણા કરતા પણ વધુ ભાવમાં મળી રહ્યું છે. કરિયાણાની દુકાનવાળા એ જ લોકોને સામાન આપી શકે છે. જેને તે પહેલાથી ઓળખે છે. કારણ કે તેમની પાસે પણ સ્ટોક લિમિટેડ છે.સીલમપુર, કબીરનગરમાં લોકો મળીને સ્થિતિ સામાન્ય કરવાના ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે. અમુક લોકોએ મજૂર વર્ગને ખવડાવવા માટે ભંડારો પણ કર્યો છે