દિલ્હીમાં ચીની નાગરિકોને નો-એન્ટ્રી
નવીદિલ્હી: ભારત અને ચીન વચ્ચે દિવસેને દિવસે તણાવ વધતો જાય છે. ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ ભારતના લોકો ચીન પ્રત્યે બહુ નારાજ અને ગુસ્સે છે. જ્યારે હવે દિલ્હીની હોટલો અને ગેસ્ટ હાઉસમાં ચીની નાગરિકોને રોકાવાની મંજૂરી ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કાન્ફેડરેશન આૅફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના ચાઇનીઝ માલના બહિષ્કાર કરવાના આહવાન પર દિલ્હી હોટલ સંગઠન અને ગેસ્ટ હાઉસ ઓનર્સ એશોશિયનએ એક મોટો નિર્ણય લીધો છે. આ સંગઠને જાહેરાત કરી છે કે, ચીનની હરકતોને ધ્યાનમાં રાખીને, નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી કોઈ પણ ચાઇનીઝ નાગરિકને દિલ્હીની હોટલો અને ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવશે નહીં.
દિલ્હીમાં લગભગ ૩૦૦૦ બજેટ હોટલ અને ગેસ્ટ હાઉસ છે. જેમાં લગભગ ૭૫ હજાર રૂમ છે. દિલ્હી હોટલ અને ગેસ્ટ હાઉસ ઓનર્સ એશોશિયનના મહામંત્રી મહેન્દ્ર ગુપ્તાએ આ જાણકારી આપતાં જણાવ્યું કે, ચીન જે પ્રકારે ભારત સાથે વ્યવહાર કરે છે અને હિંસક અથડામણમાં જે પ્રકારે ભારના સૈનિકો શહિદ થયા, જેને કારણે દિલ્હીની બધી હોટલના કારોબારીઓ નારાજ અને ગુસ્સે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આવા સમયમાં કાન્ફેડરેશન આૅફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે સમગ્ર દેશમાં ચાઇનીઝ માલ-સામાનના બહિષ્કારનું અભિયાન ચલાવ્યું છે. એમાં દિલ્હીની હોટલ અને ગેસ્ટ હાઉસના કારોબારીઓ પણ ભાગ લેશે અને તે જોતાં જ અમે નિર્ણય કર્યો છે કે, હવેથી દિલ્હીની કોઇપણ હોટલ કે ગેસ્ટ હાઉસમાં ચીની નાગરીકોને રોકાણ કરવા દેવામાં આવશે નહીં.
કાન્ફેડરેશન આૅફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના મહામંત્રી પ્રવીણ ખંડેલવાલએ આ નિર્ણયને આવકારતાં જણાવ્યું કે, દિલ્હી હોટલ અને ગેસ્ટ હાઉસ ઓનર્સ એશોશિયનના નિર્ણયથી એ સાબિત થાય છે કે, કૈટ દ્વારા શરૂ કરવામાં આવેલ ચીની સામાનના બહિષ્કારના અભિયાનમાં અલગ-અલગ વર્ગોના લોકો જોડાઇ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, આ સંદર્ભે, કૈટ હવે ટ્રાન્સપોર્ટ, ખેડુતો, નાના ઉદ્યોગો, ગ્રાહક ઉદ્યમીઓ અને મહિલા ઉદ્યમીઓનો સંપર્ક કરશે અને તેમને આ અભિયાન સાથે જોડશે.