દિલ્હીમાં ઠંડીએ 17 વર્ષનો વિક્રમ તોડયો
નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીર અને દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં ઠુંઠવાયું હતું. શ્રીનગરમાં પારો માઈનસ 3 ડિગ્રીથી પણ નીચે ગગડતાં સિઝનની સૌથી ઠંડી રાત અનુભવાઈ હતી જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રવિવારની સવાર 17 વર્ષમાં સૌથી ઠંડી રહી હતી.
દિલ્હીમાં વહેલી રવિવારે સવારે લઘુત્તમ તાપમાન 6.9 ડિગ્રી નોંધાયું હતું, જે વર્ષ 2003 પછી નવેમ્બરમાં સૌથી નીચું હતું. મધ્ય પ્રદેશમાં પણ પારો નીચે ગગડતાં ભોપાલમાં લોકોએ સિઝનની સૌથી ઠંડી રાત અનુભવી હતી. હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે ભારે વરસાદ અને હિમવર્ષા માટે ‘યલો વેધર’ની ચેતવણી જાહેર કરી હતી. રાજસ્થાનમાં પણ તાપમાન સરેરાશ કરતાં પાંચ ડિગ્રી જેટલું નીચું ગયું હતું.
કાશ્મીરમાં પારો શૂન્ય ડિગ્રીથી પણ નીચે ઊતરી જતાં શ્રીનગરમાં આ સીઝનની સૌથી ઠંડી રાત અનુભવાઈ હતી. શ્રીનગરમાં શનિવારે મોડી રાતે લઘુત્તમ તાપમાન માઈનસ 3.4 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું, જે આ સિઝનમાં અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન છે તેમ જણાવતાં હવામાન વિભાગે ઉમેર્યું હતું કે કાશ્મીર ખીણના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે નોંધાયું હતું.