દિલ્હીમાં દરેક પોઝિટિવ કેસનું જીનોમ સિક્વન્સિંગ થશે
નવી દિલ્હી, દિલ્હીમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે તમામ પોઝિટિવ કેસને જીનોમ સિક્વન્સિંગમાટે લેબમાં મોકલાશે. દિલ્હીમાં રવિવારે 107 કોરોના કેસ નોંધાયા છે. અહીં છ મહિનામાં પહેલીવાર એક દિવસમાં સૌથી વધારે કેસ મળ્યા છે. આ પહેલાં દિલ્હીમાં 25 જૂને 115 કેસ નોંધાયા હતા, જે એક દિવસના સૌથી વધારે હતા.
દિલ્હીમાં રવિવારે ટેસ્ટ પોઝિટિવિટી રેટ 0.17 ટકા રહ્યો, જે છ મહિનામાં સૌથી વધારે છે. નવેમ્બરના અંત સુધીમાં દિલ્હીમાં રોજના અંદાજે 30-40 કેસ નોંધાયા છે, જોકે છેલ્લાં એક સપ્તાહમાં અહીં કેસ અને પોઝિટિવ રેટ બંને વધી રહ્યા છે.
દિલ્હીમાં ઓમિક્રોનના વધતા જોખમ વચ્ચે સોમવારે કેબિનેટની બેઠક યોજાઈ હતી. ત્યાર પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ઓમિક્રોન સામે લડવા માટે દિલ્હી સંપૂર્ણપણે તૈયાર છે. આ સાથે જ તેમણે કેન્દ્ર સરકારને બૂસ્ટર ડોઝ આપવાની પરવાનગી આપવાની વિનંતી કરી હતી.
તેમણે એમ પણ કહ્યું હતું કે દિલ્હીમાં જેટલા પણ કોરોનાના કેસ નોંધાશે એ બધા જીનોમ સિક્વન્સિંગ માટે લેબમાં મોકલાશે, જેથી ઓમિક્રોનના કેસની સ્થિતિ વિશે જાણી શકાય. દિલ્હીના લોકોને મફત રાશન વિતરણ યોજનાને છ મહિના લંબાવાઈ છે. દિલ્હીના લોકોને 31 મે 2022 સુધી મફત રાશન અપાશે.