દિલ્હીમાં પીઆઈ બીજીવાર કોરોના ચેપગ્રસ્ત થતા તબીબ પરેશાન
નવી દિલ્હી, કોરોના વાયરસના ચેપથી બે માસ પહેલાં જ મુક્ત થઈ ચૂકેલો વ્યક્તિ બીજીવાર સંક્રમિત થઈ શકે છે? આ પ્રશ્નનો સીધો અને સ્પષ્ટ જવાબ ભલે કોઈની પાસે ન હોય પણ દિલ્હીમાં એક આવો જ કેસ સામે આવ્યો છે. તેથી રાજધાનીની તબીબી આલમ પણ હાલ તો માથું ખંજવાળી રહી છે. દિલ્હીમાં એક પોલીસ ઈન્સ્પેક્ટર બે માસના સમયગાળામાં જ ફરીથી કોરોના ચેપગ્રસ્ત થયા છે.
દિલ્હીમાં એક પોલીસ ઈન્સ્પેક્ટર બીજીવાર કોવિડ-૧૯ વાયરસથી સંક્રમિત થતા કોરોનાની સારવાર સાથે સંકળાયેલા ડોકટર પરેશાન છે. સૌપ્રથમવાર એસયોમ્પટીમેટીક લક્ષણો જોવા મળતા તેમનો તા.૧૩મી મેએ આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝીટીવ આવ્યો હતો. એક સપ્તાહ માટે હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ તા.૨૫મી મેએ નેગેટીવ રિપોર્ટ આવતા તેમને ઘેર જવાની રજા અપાઈ હતી. બે માસ બાદ એટલે કે ૧૦મી જુલાઈએ બીજીવાર તેમને તાવ અને ખાંસી થઈ હતી. એથી તેમણે પોતાનો એન્ટીજન અને આરટી પીસીઆર ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
એપોલો હોસ્પિટલના ડો. રાજેશ ચાવલાના કહેવા મુજબ દર્દી એક પોલીસ ઈન્સ્પેક્ટર છે. ૧૩મી મેએ એક કેમ્પમાં ટેસ્ટ કરાવ્યો તો તેઓ એસયોમ્પટીમેટીક હતા, પરંતુ રિપોર્ટ પોઝીટીવ આવ્યો. એથી તેઓ ૧૫મી મેથી ૨૨મી મે સુધી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ રહ્યા. ૨૫મીએ રિપોર્ટ નેગેટીવ આવતા તેમને રજા આપી દેવાઈ.
ત્યારબાદ બીજીવાર બે માસ બાદ એટલે કે ૧૦મી જુલાઈએ તેમને તાવ અને કોરોનાના લક્ષણો લાગતા તેમણે આરટી પીસીઆર અને એન્ટીગન ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેઓ પોઝીટીવ આવ્યા હતા. એથી તેઓ હોમ ક્વોરન્ટીન થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ તેમને છાતીમાં દુઃખાવો થયો તો હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ તેઓ સ્વસ્થ છે.
દિલ્હીમાં આ પ્રકારનો બીજો કેસ છે. આ પહેલાં હિન્દુ રાવ હોસ્પિટલમાં એક નર્સ બીજીવાર કોરોના પોઝીટીવ થઈ હતી. રાજધાની દિલ્હીમાં કોવિડ-૧૯ની સારવાર કરતા તબીબોમાં ચાલતી ચર્ચા મુજબ આ બંને કેસમાં કદાચ તેઓના અગાઉના ટેસ્ટનું પરિણામ ભૂલ ભરેલું હોઈ શકે છે, તેવો સૂર પણ વ્યક્ત થઈ રહ્યો છે. કારણ એકવાર કોરોના સંક્રમિત થયા બાદ તેમના શરીરમાં એન્ટીબોડીઝ ન બન્યાં ?નો સવાલ પણ તેમને મુંઝવી રહ્યો છે.
ધ કાઉન્સીલ ઓફ સાયન્ટીફીક એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ રિસર્ચના વૈજ્ઞાનિકો હાલ તો આ બાબતે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. તેમનું કહેવુ છે કે આ બાબતે ઉંડાણથી સંશોધનની જરૂરિયાત છે. સીએસઆઈઆરના વડા શેખર માંડેના જણાવ્યા મુજબ બીજીવાર કોઈને કોરોના થયો હોય તેવો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. બીજીવાર કોરોનાથી સંક્રમિત થયા હોવાનું આજના દિવસે અમે માનવા તૈયાર નથી. જો વાયરસ કોઈને પોઝીટીવ હોય તો તેનામાં એન્ટીબોડી બનવાની તકો ઘણીબધી હોય છે. તેની સાથે આ પ્રકારના કેટલાક કેસ જાપાન જેવા દેશમાંથી અભ્યાસ દરમિયાન વાંચવા મળ્યા છે.
એઈમ્સમાં કોરોના વેકસિન પર સંશોધન કરી રહેલા પ્રોફેસર સંજય રોય પણ બીજીવાર કોરોનાથી સંક્રમણ થવાની સંભાવનાને નકારી રહ્યા છે. તેમના કહેવા મુજબ ઘણીવાર ડેડ વાયરસ ઇ્ ઁષ્ઠિ ટેસ્ટમાં ડિટેક્ટ થઈ શકે છે. અત્યાર સુધીમાં બીજીવાર સંક્રમણ થયાની વાત ક્યાંયથી પણ સામે આવી નથી.
કોરોના વાયરસનું નિદાન અને રિસર્ચ સાથે સંકળાયેલા દરેક ડોકટર આ બાબતે ગંભીરતાથી સંશોધનની વાત કહી રહ્યા છે. ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં જ્યારે દર્દીઓના ડેટા કલેક્શન થઈ લઈને સારવારમાં પણ બેદરકારી દાખવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે સામાન્ય નાગરિક માટે તો કોરોના વાયરસ કોઈ વણઉકેલ કોયડાથી ઓછો કહી શકાય તેમ નથી.