દિલ્હીમાં મંત્રીઓને ખાતાની ફાળવણી: ઘણા નવા પડકાર
ગોપાલ રાયને હવે પર્યાવરણ મંત્રાલયની મોટી જવાબદારી મળી: સત્યેન્દ્ર જૈન, ઈમરાન હુસૈનને પણ ખાતા સંભાળ્યા |
નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા બાદ આજે સચિવાલયમાં જઈને કામગીરીને સંભાળી લીધી હતી. આની સાથે જ તેઓએ મંત્રાલયોની ફાળવણીની પણ જાહેરાત કરી હતી. આ વખતે કેજરીવાલ પોતે પોતાની પાસે કોઈ ખાતા રાખી રહ્યા નથી. મનિષ સિસોદીયા આ અવધિમાં નાયબ મુખ્યમંત્રી તરીકે જ રહેશે. તેમની પાસે પહેલાની જેમ જ શિક્ષણ વિભાગની જવાબદારી રહેશે.
આ ઉપરાંત કેજરીવાલની અગાઉની અવધિમાં ગ્રામીણ વિકાસ અને રોજગાર મંત્રી રહી ચુકેલા બાબરપુરમાંથી ધારાસભ્ય ગોપાલ રાયને આ વખતે પર્યાવરણ મંત્રાલયની જવાબદારી સોંપાઈ છે. જ્યારે શકુરબસ્તીમાંથી ધારાસભ્ય સત્યેન્દ્ર જૈનને જળ બોર્ડ માટેની જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટીની અગાઉની સરકારમાં આ વિભાગ મુખ્યમંત્રી કેજરીવાલે પોતાની પાસે રાખ્યો હતો. અગાઉની અવધિમાં સત્યેન્દ્ર જૈન આરોગ્ય મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા હતા. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી રાજેન્દ્રપાલ ગૌતમને સોંપવામાં આવી છે. આ મંત્રાલય પહેલા મનિષ સિસોદીયા સંભાળી રહ્યા હતા. અન્ય વિભાગોમાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી. સત્યેન્દ્ર જૈનની પાસે મહત્વપર્ણ લોક નિર્માણ વિભાગ, આરોગ્ય, વીજળી અને શહેરી વિકાસ વિભાગના ખાતાઓ રહેલા છે.
હવે દિલ્હી જળ બોર્ડની પણ જવાબદારી રહેશે. સત્યેન્દ્ર જૈન, કૈલાશ ગહેલોત, ગોપાલ રાય, ઈમરાન અને મનિષ સિસોદીયાએ ગઈકાલે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા. તમામ મંત્રીઓએ આજે પોત પોતાના વિભાગો સંભાળી લીધા હતા. ઈમરાન હુસૈન અગાઉની સરકારમાં ખાદ્યમંત્રી હતા. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે ગઈકાલે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. સાથે સાથે અન્ય છ મંત્રીઓએ પણ શપથ લીધા હતા. હાલમાં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચુંટણીમાં કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ જારદાર સપાટો બોલાવીને ૬૨ સીટો જીતી લીધી હતી. ભાજપને આઠ સીટથી સંતોષ માનવાની ફરજ પડી હતી. કેજરીવાલ સામે ઘણા નવા પડકારો રહેલા છે.