દિલ્હીમાં યોગી સરકારનું રોહિંગ્યા કેમ્પ ઉપર બુલડોઝર ચાલ્યું
નવીદિલ્હી: રાજધાની દિલ્હીના મદનપુર ખાદર વિસ્તારમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશ સરકારના આ પગલાંની રોહિંગ્યા મુસ્લિમ સમુદાયને અસર થવાની સંભાવના છે.
રાજધાની દિલ્હીનાં મદનપુર ખાદર વિસ્તારમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી હેઠળ ગેરકાનૂની દબાણો હટાવવામાં આવી રહ્યા છે. સિંચાઇ વિભાગની જમીન પર ગેરકાયદેસર રીતે રોહિંગ્યા કેમ્પ લગાવવામાં આવ્યા હતા જેને બુલડોઝરની મદદથી તોડવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા સવારે ચાર વાગ્યે કરવામાં આવેલી કામગીરીમાં દાવો કરવામાં આવ્યો હતો કે આશરે ૫.૨૧ એકર જેટલી જમીન પર ગેરકાયદે કેમ્પ બનાવી દેવામાં આવ્યા છે. આ જમીનની અંદાજિત કિંમત ૧૫૦ કરોડ રૂપિયા છે.
ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રાજ્યમાં સતત ગેરકાયદે પચાવી પાડવામાં આવેલ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં આ કામગીરીએ જાેર પકડયું છે. ઉત્તર પ્રદેશમાં સિંચાઇ વિભાગની જમીન ઘણાં વિસ્તારોમાં આવેલી છે જેમાં ઓખલા, જસોલા, આલી, સૈદાબદ, જેતપુર,મોલરવંદ અને ખુરેજી ખાસ વિસ્તારો છે.
ઉત્તર પ્રદેશ સરકારમાં જળશક્તિ મંત્રી મહેન્દ્ર સિંહ દ્વારા પણ આ કાર્યવાહીનો વિડીયો ટિ્વટ કરવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ લખ્યું હતું કે, ‘દિલ્લીમાં ફરી ચાલ્યું છે યોગીનું બુલડોઝર, યોગી સરકારની મોટી કાર્યવાહી’ જાણકારી મળી છે કે આવનાર સમયમાં આ અભિયાન હેઠળ ત્વરાથી મોટા ર્નિણયો લેવામાં આવશે.
દિલ્હીનાં કાલિંદી કુંજ મેટ્રો સ્ટેશન વિસ્તાર પાસે મોટી સંખ્યામાં રોહિંગ્યા રહેલા હતા જે ત્યાં બસ્તીઓ અને કેમ્પ બનાવીને રહેતાં હતા. હજુ થોડા સમય પહેલાં જ અહીં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં ઘણાં કેમ્પ સળગી જતાં મોટુ નુકસાન થયું હતું.
આ સિવાય સરકાર જમીન માફિયાઓની જમીન પર ટાંપીને નજર રાખી રહી છે. તાજેતરમાં સરકારે ઘણા માફિયાઓની જમીન કબજે કરી હતી. સાથે કેટલાક ગેરકાનૂની નિર્માણો પર બુલડોઝર ફેરવી દીધું હતું. હાલમાં ઉત્તરપ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથ દ્વારા દાવો કરાયો હતો કે સરકાર આ પ્રકારે ગેરકાનૂની જમીન માફિયાઓની જમીન અને સંપતિ કબજે કરી ગરીબોમાં વહેંચવાનું કામ કરશે.