દિલ્હીમાં વાયુ પ્રદૂષણથી કોરોનાની સ્થિતિ વધુ કથળી રહી છેઃ કેજરીવાલ
નવી દિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સીએમ કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીમાં વાયુ પ્રદૂષણના સ્તરમાં વધારો થઈ રહ્યો છે જેને પગલે કોવિડ 19ની સ્થિતિ પણ વધુ કથળી રહી હોવાનું જણાયું છે. આ સાથે જ કેજરીવાલે દિલ્હીવાસીઓને દિવાળી પર દારૂખાનું ફોડવાનું ટાળવા અપીલ કરી હતી.
મીડિયા સાથે ઓનલાઈન સંવાદ દરમિયાન કેજરીવાલે જણાવ્યું કે, તેઓ તેમના મંત્રીમંડળ સાથે કોઈ સ્થળે સાંજે 7.39 કલાકે લક્ષ્મી પૂજા કરશે અને તેમણે દિલ્હીના નાગરિકોને તેમના ઘરે ટીવી પર આ કાર્યક્રમ નિહાળી તેમાં જોડાવા વિનંતી કરી હતી.
દિલ્હી પ્રવર્તમાન સમયે બેવડા પડકારનો સામનો કરી રહ્યું છે. રાજ્યમાં એકતરફ કોરોના મહામારી છે જ્યારે બીજીતરફ વધી રહેલું વાયુ પ્રદૂષણ છે. આપ સરકાર આ બન્ને મોરચાને સંભાળવા માટે તમામ પ્રયાસો કરી રહી છે તેમ કેજરીવાલે જણાવ્યું હતું.