દિલ્હીમાં સંપત્તિ ફુંકનારની સંપત્તિ જપ્ત કરાશે : શાહ
નવી દિલ્હી: દિલ્હી રમખાણો પર આજે લોકસભામાં ઉગ્ર ગરમા ગરમ ચર્ચા થઈ હતી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના એક એક પ્રશ્નનો જવાબ આપ્યો હતો. અમિત શાહે સાફ શબ્દોમાં કહ્યું હતું કે દોષિત કોઈપણ સમુદાય કે પાર્ટીના કેમ ન હોય તેમને છોડવામાં આવશે નહીં. શાહના ભાષણ દરમિયાન કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યો હતો. ગૃહમંત્રીએ દિલ્હી રમખાણોને આયોજિત કાવતરા તરીકે ગણાવીને વિપક્ષી નેતાઓના ઉશ્કેરણીજનક ભાષણોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની રામલીલા મેદાનની રેલીમાં સડક પર નિકલો આરપાર કી લડાઈના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. સાથે સાથે વારીશ પઠાણના ૧૦૦ કરોડ પર ૧૫ કરોડ ભારી જેવા ઉશ્કેરણીજનક ભાષણની ટીકા કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે હિંસા દરમિયાન જે લોકોએ સંપત્તિ ફુંકી છે તેમની ઓળખ કરીને તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવશે.
પોલીસે ૨૦ લાખ લોકોની વચ્ચે થઈ રહેલી હિંસાને અન્ય વિસ્તારોમાં ફેલાવા દીધી ન હતી. પોલીસની ભૂમિકા ખૂબ જ પ્રશંસપાત્ર રહી હતી. ગૃહમંત્રીએ રમખાણ પીડિતોમાં હિન્દુ-મુસ્લિમો માટે કરવામાં આવેલી ટીકાની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે માર્યા ગયેલા તમામ લોકો ભારતીય હતા. ૩૬ કલાકની અંદર સ્થિતિને કાબુમાં લેવા માટે દિલ્હી પોલીસની પ્રશંસા કરી હતી.
ઓવેસી જેવા વિપક્ષી નેતાઓના એવ આક્ષેપને ફગાવી દીધા હત કે દિલ્હી પોલીસે ખાસ સમુદાયની સામે કાર્યવાહી કરી હતી. ગૃહમંત્રીએ રમખાણ પીડિતોમાં હિન્દુ-મુસ્લિમની વાત કરવા બદલ વિપક્ષની ઝાટકણી કાઢી હતી. સૌગત રાય અને બાકીના સભ્યોએ કરેલા પ્રશ્નના જવાબમાં પણ માહિતી આપી હતી.