દિલ્હીમાં સિલિન્ડર બ્લાસ્ટ, ચાર લોકોનાં મોત નિપજ્યા

નવી દિલ્હી: દેશની રાજધાનીના પૂર્વ દિલ્હીમાં આવેલા શાહદરા વિસ્તારમાં મંગળવાર રાત્રે સિલિન્ડર બ્લાસ્ટના કારણે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સિલિન્ડર બ્લાસ્ટના કારણે લાગેલી ભીષણ આગમાં ચાર લોકોના બળી જવાથી મોત થયા છે, તો એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. ઘાયલ વ્યક્તિને શાહદરાની જ એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના બાબતે દિલ્હી ફાયર સર્વિસ વિભાગના ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે, ઘટના શાહદરાના ફર્શ બજાર વિસ્તારમાં બની છે.
આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે ઘરમાં રાખેલા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયો અને ભીષણ આગ લાગી ગઈ. તેમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. જ્યારે એક અન્ય વ્યક્તિ ઘાયલ છે જેની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મળતી જાણકારી મુજબ, ઘટનાની જાણ થતાં જ ફર્શ બજાર પહોંચેલી પોલીસે ચારેય લાશોને પોતાના કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. આ ઉપરાંત તે મામલાની તપાસમાં લાગી ગઈ છે. જાેકે દિલ્હી પોલીસ તરફથી આ સંબંધમાં હજુ સુધી કોઈ જાણકારી નથી આપવામાં આવી.
શાહદરા ઉપરાંત દક્ષિણ-પૂર્વ દિલ્હીના તુગલકાબાદ એક્સટેન્શન વિસ્તારમાં મંગળવાર સાંજે સિલિન્ડરની દુકાનમાં આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઘટનામાં કોઈ હતાહત નથી થયું. ફાયરબ્રિગેડના અધિકારીઓ અનુસાર, આગ લાગવાની જાણ તેમને સાંજે ૬ઃ૧૯ વાગ્યે થઈ હતી. ત્યારબાદ ફાયરબ્રિગેડની ૯ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. તેમણે જણાવ્યું કે સિલિન્ડરમાં વિસ્ફોટના કારણે આગ લાગી, જે ફર્નીચર અને મિઠાઈની ત્રણ અન્ય દુકાનોમાં પણ ફેલાઈ ગઈ.