દિલ્હીમાં સીઆરપીએફ સ્કુલ પાસે પ્રચંડ વિસ્ફોટ
આતંકવાદી હુમલાની આશંકા વ્યકત કરાઈ
શાળાની આસપાસની દુકાનો અને પાર્ક કરેલા વાહનોને વ્યાપક નુકશાન ઃ લોકોમાં ભય ઃ દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર
નવી દિલ્હી, રવિવારે સવારે દિલ્હીમાં CRPF સ્કૂલની બહાર વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ બાદ તપાસ ચાલી રહી છે, દરમિયાન પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે બ્લાસ્ટ બાદ કોઈ ષડયંત્રની શક્યતા નકારી શકાય તેમ નથી. દિલ્હીમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને મોટા બજારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિવાળીના કારણે બજારોમાં ભીડ જોવા મળી રહી છે, તેથી આવા ષડયંત્રની આશંકાથી પોલીસની ચિંતા વધી ગઈ છે.
CRPF સ્કૂલની આસપાસના કેટલાય કિલોમીટરના અંતરે આવેલા મોબાઈલ ટાવર પર ગઈ રાતથી લઈને આજે સવારે ૯ વાગ્યા સુધી કેટલા ફોન કોલ્સ કરવામાં આવ્યા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, સમગ્ર વિસ્તારનો ડમ્પ ડેટા લેવામાં આવશે, જેનાથી ખબર પડશે કે ગઈકાલથી સવારે બ્લાસ્ટ સુધી કેટલા ફોન એક્ટિવ હતા. તે તમામ સક્રિય ફોન વિશે માહિતી એકત્રિત કરવામાં આવશે. આ સાથે બ્લાસ્ટના સ્થળે પથરાયેલા સફેદ પાવડરની પણ તપાસ કરવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસના પીઆરઓ સંજય ત્યાગીએ કહ્યું છે કે બ્લાસ્ટ બાદ તપાસ ચાલી રહી છે. એફએસએલ, સ્પેશિયલ સેલ, સમગ્ર ટીમ ઘટનાસ્થળે હાજર છે અને વધુ તપાસ ચાલી રહી છે. કેટલીક દુકાનોના કાચ તૂટી ગયા હતા, કોઈને ઈજા થઈ ન હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર તે ક્રૂડ બોમ્બ હોઈ શકે છે. મળતી માહિતી મુજબ, વાયર જેવી કેટલીક વસ્તુઓ મળી આવી છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ઘણી ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે અને કેસની તપાસમાં લાગેલી છે. એન્ટી ટેરર યુનિટના સહયોગથી સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસની ટીમે માહિતી આપી છે કે આ મામલામાં એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. પહેલા સ્થાનિક પોલીસ આ કેસ નોંધશે, જે બાદમાં FSL રિપોર્ટ આવ્યા બાદ સ્પેશિયલ યુનિટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તે જ સમયે, NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ) ને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી છે અને તેમની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
સ્થળ પર સફેદ પાવડર જેવી વસ્તુ જોવા મળી છે.રવિવારે દિલ્હીના રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં થયેલા વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ વિસ્ફોટ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સ્કૂલની દિવાલ પાસે થયો હતો, ત્યારબાદ ધુમાડાના ગોટેગોટા ઉછળતા જોવા મળ્યા હતા. બ્લાસ્ટને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને નજીકમાં પાર્ક કરાયેલા વાહનોના કાચ તૂટી ગયા હતા અને ઘરોના કાચ પણ તૂટી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ વિસ્ફોટ પછી, સ્થળ પર દિવાલમાંથી સફેદ પાવડરના અવશેષો મળી આવ્યા હતા.
પહેલા સિલિન્ડર બ્લાસ્ટની આશંકા હતી, પરંતુ પુષ્ટિ નથી થઈ. CRPF સ્કૂલની નજીક ઘણી દુકાનો આવેલી છે, તેથી પ્રારંભિક તપાસમાં એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે તે સિલિન્ડર બ્લાસ્ટ હોઈ શકે છે. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. વિસ્ફોટની તીવ્રતાને જોતા તેને વધુ તીવ્રતાનો બ્લાસ્ટ માનવામાં આવી રહ્યો છે.