દિલ્હીમાં હવે દેશી-વિદેશી દારૂ ઘરે બેઠા મળી જશે
નવીદિલ્હી: કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા અને દારૂની દુકાનો પર ભીડ ઓછી કરવા માટે દિલ્હી સરકારે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ભારતીય અને વિદેશી બ્રાન્ડના દારૂની હોમ ડિલિવરીનો રસ્તો ક્લિયર કરી નાખ્યો છે. હવે લોકો ઘરે બેઠા મોબાઈલ એપ કે ઓનલાઈન વેબ પોર્ટલના માધ્યમથી ઓર્ડર આપીને દારૂ મંગાવી શકે છે.
દિલ્હી સરકારે દારૂની હોમ ડિલિવરી માટે આબકારી નિયમોમાં ફેરફાર કર્યો છે. દિલ્હી આબકારી (સંશોધન) નિયમ ૨૦૨૧ મુજબ એલ-૧૩ લાયસન્સ ધારકોને લોકોના ઘર સુધી દારૂ પહોંચાડવાની મંજૂરી રહેશે. મોબાઈલ એપ કે ઓનલાઈન વેબ પોર્ટલના માધ્યમથી ઓર્ડર કરીને ભારતીય અને વિદેશી દારૂની હોમ ડિલિવરી થઈ શકશે.
દારૂના નિર્માતાઓ લાંબા સમયથી દિલ્હી સરકાર પાસે ઓનલાઈન ઓર્ડર અને દારૂની હોમ ડિલિવરીની મંજૂરી માંગી રહ્યા હતા. અત્રે જણાવવાનું કે એપ્રિલમાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનની જાહેરાત બાદ દારૂની દુકાનો પર લાંબી લાઈન લાગી ગઈ હતી. ત્યારપછી દારૂ નિર્માતા કંપનીઓએ દિલ્હી સરકાર પાસે દારૂની હોમ ડિલિવરીની મંજૂરી આપવાની અપીલ કરી હતી.
કોરોના વાયરસના વધતા સંક્રમણને જાેતા મહારાષ્ટ્ર સરકારે પહેલેથી દારૂની હોમ ડિલિવરીની મંજૂરી આપેલી છે. અત્રે જણાવવાનું કે કોવિડ-૧૯ને ફેલાતો અટકાવવા માટે મહારાષ્ટ્રમાં કડક નિયંત્રણો લાગૂ છે. મુંબઈ ઉપરાંત અનેક શહેરોમાં દુકાનો બંધ છે.