દિલ્હીમાં ૧૯૫૦ બાદ માર્ચમાં પહેલી વખત ભારે ગરમી પડી
નવી દિલ્હી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાન ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી હીટ વેવની સ્થિતિ યથાવત છે અને ભવિષ્યમાં પણ આવી જ સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે.
આ સિવાય ઉત્તર પ્રદેશ, બિહાર,પશ્ચિમ બંગાળ સહિતના મોટાભાગના રાજ્યોમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર દિલ્હીનું આજે લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસ છે જ્યારે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. હીટ વેવની શક્યતાઓ છે તે જ સમયે ૧ એપ્રિલે રાજધાનીમાં હવામાનમાં થોડો ફેરફાર થશે અને તેજ પવન ફૂંકાશે.
દેશના મોટાભાગના વિસ્તારોમાં લોકો ગરમીના પ્રકોપનો સામનો કરી રહ્યા છે. દિલ્હી એનસીઆરમાં ગરમીનો પારો વધી રહ્યો છે.
હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. આર.કે. જૈનામણીએ જણાવ્યું હતું કે, ૧૯૫૦ પછી આ બીજી વખત છે જ્યારે દિલ્હીમાં માર્ચમાં આટલી ગરમી પડી રહી છે. ભારતનો ૭૦-૮૦ ટકા હિસ્સો વધેલા તાપમાનના પ્રભાવ હેઠળ છે.
મધ્યપ્રદેશમાં પણ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ભોપાલમાં લઘુત્તમ તાપમાન ૧૯ ડિગ્રી સેલ્સિયસ જ્યારે મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસ રહેશે. આ ઉપરાંત ગુજરાતના અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૨૪ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસ રહેશે. હવામાન વિભાગે આગામી ૫ દિવસ માટે મધ્ય ભારત અને મહારાષ્ટ્રમાં હીટ વેવનું એલર્ટ જાહેર કર્યું છે.SSS