દિલ્હીમાં ૨૩ ટકા વસતી કોરોનાની ઝપટમાં, શાહદરામાં સૌથી વધુ કેસ
છેલ્લા અમુક દિવસોથી દિલ્હીમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે કેટલાક દિવસોથી દૈનિક ૧૦૦૦થી ઓછા કેસ નોંધાયા છે
નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસના પ્રકોપને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક ચોંકવનારી માહિતી આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે દુનિયાના અન્ય દેશોની તુલનામાં ભારતમાં કોરોનાથી મૃત્યદર ઓછો છે. મંત્રાલયે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દેશમાં ૧૦ લાખની વસ્તી પર ૮૩૭ કેસ છે, કેટલાય દેશોની તુલનામાં ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ખૂબ ઓછી છે. જ્યારે દિલ્હીની ૨૩ ટકા વસ્તી કોરોનાની ઝપટમાં આવી ચૂકી છે. દેશની રાજધાની દિલ્હીના શાહદરા વિસ્તારમાં ચેપના સૌથી વધુ કેસો જોવા મળી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ઓએસડી રાજેશ ભૂષણે કહ્યું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની માર્ગદર્શિકા કહે છે કે ૧૦ લાખની વસ્તી પર ૧૪૦ ટેસ્ટ પ્રતિ દિવસ થવા જોઈએ. દેશમાં હજુ ૮૦ ટેસ્ટ પ્રતિદિવસ ૧૦ લાખની વસ્તી પર થઈ રહ્યા છે.
ભારતના ૩૦ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોઝિટિવિટી રેટ રાષ્ટ્રીય પોઝિટિવિટી રેટની તુલનામાં ઓછો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં ૪૦૨૫૨૯ એક્ટિવ કેસ છે. હમણાં સુધી ૭૨૪૫૭૭ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે એનસીડીસીએ કહ્યું છે કે અમે દિલ્હીમાં સર્વે કર્યો. લોકોમાં ચેપનો પ્રસાર રોકવાની જાણકારી માટે સીરો સર્વે કરવામાં આવ્યો. સર્વેમાં ઓવરઓલ પ્રવિલેન્સ ૨૨.૮૬ ટકા મળ્યો છે. અમે એલાઇઝા ટેસ્ટ કર્યો છે. એનસીડીસીના ડાયરેક્ટર ડો. સુજીત કુમાર સિંહે કહ્યું કે કોરોના વાયરસ મહામારીને છ મહિના થઈ ચૂક્યા છે અને ૨૨.૮૬ ટકા લોકો સંક્રમિત થયા છે. દિલ્હીના શહદારમાં ચેપના સૌથી વધુ કેસ જોવા મળ્યા છે.
દિલ્હીના ૧૧ જિલ્લામાંથી ૮ જિલ્લામાં ૨૦ ટકાથી વધુ લોકો ચેપગ્રસ્ત થઈ ચૂક્યા છે. શાહદર જિલ્લામાં ૨૭ ટકા વસ્તીમાં ચેપનો પ્રસાર થઈ ચૂક્યો છે. સીરો સર્વે ૨૭ જૂનથી ૧૦ જુલાઈ દરમિયાન કરવામાં આવ્યો. સર્વેના ડેટા પાંચ જુલાઈએ કલેક્ટ કરવામાં આવ્યા હતા. દરેક ટેસ્ટ આઈસીએમઆર ગાઇડલાઇન્સ અંતર્ગત થયા હતા. તેમાં લગભગ ૨૨ હજાર સેમ્પલની ચકાસણી કરવામા આવી હતી. છેલ્લા અમુક દિવસોથી દિલ્હીમાં કોરોના કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા અમુક દિવસોથી દૈનિક ૧૦૦૦થી ઓછા કેસ નોંધાયા છે. અત્યારે દિલ્હીમાં ૧૫ હજાર જેટલા એક્ટિવ કેસ છે જ્યારે ૩૬૦૦ના મોત થયા છે. અત્યારસુધી ૧ લાખથી વધુ લોકો દિલ્હીમાં સ્વસ્થ થઇ ચૂક્યા છે. આ સર્વે દ્વારા મોટા ગ્રુપમાં લોકોને ઇન્ફેક્શન થયું છે કે નહીં તે ચકાસવામા આવે છે. તેમાં સિરોલોજી ટેસ્ટ દ્વારા લોકોના લોહીમાં રોગની સામે લડવા માટે ઉત્પન્ન થયેલા એન્ટીબોડીનું લેવલ ચકાસવામા આવેછે. તેના આધારે બીમારીનો ફેલાવો કેટલો થયો છે, તેનો ડેટા તૈયાર કરે છે.