દિલ્હીમાં ૩૦મી સુધી રાત્રે ૧૦થી સવારે ૫ સુધી કર્ફ્યુ
નવી દિલ્હી, કોરોના વાયરસને પહોંચી વળવા માટે પાટનગર દિલ્હીમાં નાઇટ કર્ફ્યુ લગાવાશે. દિલ્હી સરકારે ૩૦ એપ્રિલ સુધી રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૫ વાગ્યા દરમિયાન કર્ફ્યુ લગાવવાનો આદેશ આપ્યો છે. આ સમય દરમિયાન જરૂરી સેવાઓ અને ઈમરજન્સી મૂવમેન્ટને મંજૂરી આપવામાં આવશે, પરંતુ અન્ય લોકો રાત્રિ કરફ્યુ દરમિયાન બહાર નીકળી શકશે નહીં.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈન ઘણીવાર કહી ચૂક્યા છે કે, લોકડાઉન કોઈ સમાધાન નથી. આવી સ્થિતિમાં નાઇટ કરફ્યુ દ્વારા કોરોનાને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોમવારે કોરોના વાયરસનો પોઝિટિવિટી રેટ ૫% કરતા વધી ગયો ત્યારબાદ સરકારે તાત્કાલિક આ પ્રકારનું પગલું ભરવું પડ્યું.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ ૫% કરતા ઓછો પોઝિટિવિટી રેટ સુરક્ષિત છે. રાત્રિના કર્ફ્યુ દરમિયાન આવશ્યક સેવાઓ સાથે જાેડાયેલા લોકો સિવાયના પર બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે સરકારે આ અંગે લિસ્ટ બહાર પાડી છે, જેમને નાઇટ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે, તેઓને ઘણી કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.