દિલ્હી-અમદાવાદ રાજધાનીમાં ૨૦ મુસાફરો કોરોના પોઝિટિવ
અમદાવાદ, દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં કોરોના વાયરસ પરીક્ષણમાં અમદાવાદ સ્ટેશન પર ૨૦ મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ પૈકીના ૧૮ મુસાફરોની તપાસ દરમિયાન કોરોનાનાં ચિહ્નો જોવા મળ્યાં નથી. ટ્રેનમાં સવાર ૧૮ મુસાફરો એસિમ્પટમેટિક હતા. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
કુલ ૨૦ મુસાફરોમાંથી, ૨ની ઉમર ૭૦ વર્ષથી વધુ ઉંમરના હોવાથી તેમને લાઇફ કેર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મામલો પ્રકાશમાં આવ્યા પછી, તેમને ક્વોરન્ટીન સેન્ટરમાં મોકલવામાં આવી રહ્યા છે. તે જ સમયે, સંપર્ક ટ્રેસિંગ પણ શરૂ કરવામાં આવી છે. બસ ડેપો અને રેલ્વે સ્ટેશન પર સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે.
આ તમામ મુસાફરો એક જ કોચના હોવાનું પણ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે દેશમાં હાલમાં અનલૉક ૪.૦ અંતર્ગત રાજધાની સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. તેવામાં આ મુસાફરોનું સ્ક્રિનિંગ કરવામાં આવતા તેમને કોરોના પોઝિટિવ જણાઈ આવ્યો છે. સમાચાર મળતાની સાથે તંત્ર દોડતું થઈ ગયું છે. દરમિયાન રાજધાનીના ૨૦માંથી ૧૮ પેસેન્જરો એ સિમ્પ્ટોમેટિક હોવાથી તેમને સમરસ હૉસ્ટેલમાં રાખવામાં આવ્યા છે.
ભારતમાં કોવિડ-૧૯ના નવા કેસોની સંખ્યાથી ચિંતા અનેક ગણી વધી ગઈ છે. રવિવાર બાદ સોમવારે પણ ૨૪ કલાકમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા ૯૦ હજારથી વધુ નોંધાઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, ૨૪ કલાકમાં ૯૦,૮૦૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે ૧,૦૧૬ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૪૨,૦૪,૬૧૪ થઈ ગઈ છે. આ ઉપરાંત, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૩૨ લાખ ૫૦ હજાર ૪૨૯ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ ૮,૮૨,૫૪૨ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૭૧,૬૪૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.