દિલ્હી-એનસીઆરમાં ફ્લેટનું બાંધકામ બંધ કરવાની સ્થિતિ

નવી દિલ્હી, દિલ્હી અને એનસીઆરમાં રહેણાંક ફ્લેટના નિર્માણનું કામ બંધ કરવાની સ્થિતિ આવી ગઈ છે. રિયલ એસ્ટેટ ડેવલપરની સંસ્થા ક્રેડાઈ એનસીઆરે જણાવ્યું કે, સંગઠનના બધા સભ્યો નિર્માણ કાર્ય રોકવાની તૈયારી કરી રહ્યા છે કારણ કે, સિમેન્ટ અને સ્ટીલ સહીત બધી કાચા માલની કિંમતમાં મોટો વધારો થયો છે.
રશિયાના યુક્રેન પર હુમલાના લગભગ એક મહીના દરમિયાન સ્ટીલ સહીત તમામ ધાતુઓનો ભાવ ૧૦૦% વધી ગયો છે. જ્યારે સિમેન્ટ અને બીજા કાચા માલ પણ મોંઘા થઈ ગયા છે. ક્રેડાઈ-એનસીઆરનું કહેવું છે કે, બાંધકામ ખર્ચ ૫૦૦ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ થઈ ગયો છે.
જેના કારણે તેમને મકાનોની કિંમતો વધારવી પડશે. ક્રેડાઈ-એનસીઆરએ જણાવ્યું કે, સિમેન્ટ સહિત કેટલાક કાચા માલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોમાં સરેરાશ ૩૦-૪૦ ટકાનો વધારો થયો છે. સિમેન્ટની કિંમત ૨૭૦ રૂપિયા પ્રતિ થેલીથી વધીને ૩૬૦ રૂપિયા થઈ ગઈ છે.
જ્યારે અન્ય કેટલીક વસ્તુઓના ભાવ છેલ્લા બે વર્ષમાં ૧૦૦% વધ્યા છે. સંગઠને કહ્યું છે કે, કિંમતોમાં અચાનક થયેલા વધારાને કારણે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં બિલ્ડરોનું માર્જિન પહેલેથી જ નોંધપાત્ર રીતે ઘટી ગયું છે અને આ પ્રોજેક્ટ્સ તેમના માટે ખોટનો સોદો સાબિત થઈ રહ્યા છે.
ક્રેડાઈ-એનસીઆરનું કહેવું છે કે, તેઓ કાચા માલની ખરીદીને બંધ કરવાનો વિચાર કરી રહ્યા છે કારણ કે, ઊંચી કિમંતોને કારણે પાછળથી પ્રોજેક્ટ્સ અટકવાનું જાેખમ છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપને કારણે, સ્ટીલ, સિમેન્ટ અને અન્ય બાંધકામ સામગ્રીના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે.
ક્રેડાઈ-એનસીઆરના અધ્યક્ષ પંકજ બજાજે કહ્યું કે, સ્ટીલને લઈને સૌથી મોટી સમસ્યા છે સપ્લાયર્સ વધારે ભાવ આપવા છતા પણ ઓર્ડર લેવા માટે તૈયાર નથી.
સ્ટીલ સપ્લાયર્સ જૂના કોન્ટ્રાક્ટ પણ રદ કરી રહ્યા છે. બિલ્ડરો ન વેચાયેલા મકાનોની કિંમતમાં વધારો કરવા માટે સ્વતંત્ર છે પરંતુ તેઓ પહેલેથી જ બુક કરાયેલા બાંધકામ હેઠળના ફ્લેટના ભાવમાં વધારો નથી કરી શકતા. બજાજે જણાવ્યું હતું કે, કદાચ આ સંકટને અણધારી ઘટના તરીકે ગણવી જાેઈએ અને વેચાય ગયેલી ઈન્વેન્ટરી માટે પણ ભાવમાં વધારો કરવાની પરવાનગી આપવી જાેઈએ. નહિંતર આપણે ફરી એકવખત અધૂરા રિયલ એસ્ટેટ પરિયોજનાઓની આગામી લહેર જાેઈશું.SSS