દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને ૪૪ રનથી પરાસ્ત કરી
દુબઈ: ઓપનર પૃથ્વી શોની શાનદાર અડધી સદી બાદ કાગિસો રબાડા સહિત બોલર્સે કરેલા ચુસ્ત બોલિંગ પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે શુક્રવારે રમાયેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને ૪૪ રને પરાજય આપ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ ટીમનો આ સળંગ બીજો પરાજય છે. આ મેચમાં પણ બેટિંગ અને બોલિંગમાં ચેન્નઈનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.
દિલ્હીએ ચેન્નઈ સામે ૧૭૬ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. જોકે ચેન્નઈની ટીમ ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૩૧ રન નોંધાવી શકી હતી. દિલ્હી માટે પૃથ્વી શોએ ૬૪ રનની ઈનિંગ્સ રમી હતી.
૧૭૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈને યોગ્ય શરૂઆત મળી ન હતી. ટીમે નજીકના અંતરમાં જ બંને ઓપનર ગુમાવી દીધા હતા. મુરલી વિજય ૧૦ અને શેન વોટસન ૧૪ રન નોંધાવીને આઉટ થયા હતા. ઋતુરાજ ગાયકવાડ પણ વધારે સમય ટકી શક્યો ન હતો અને પાંચ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો.
બાદમાં ફાફ ડુ પ્લેસિસ અને કેદાર જાધવે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દિલ્હીના બોલર્સે તેમને ઝડપી રન નોંધાવવા દીધા ન હતા. આ જોડીએ ૫૪ રનની ભાગીદારી નોંધાવી હતી.
કેદરા જાધવે ૨૧ બોલમાં ૩ ચોગ્ગાની મદદથી ૨૬ રન નોંધાવ્યા હતા જ્યારે ડુ પ્લેસિસે ટીમ માટે સૌથી વધુ ૪૩ રનનું યોગદાન આપ્યું હતું. તેણે ૩૫ બોલમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ૧૨ બોલમાં ૧૫ અને રવીન્દ્ર જાડેજાએ ૧૨ રનનું યોગદાન આપ્યું હતું.
દિલ્હી માટે કાગિસો રબાડાએ ત્રણ, એનરિચ નોર્ટેએ બે તથા અક્ષર પટેલે એક વિકેટ ઝડપી હતી. અગાઉ પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ દિલ્હીના બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી હતી. પૃથ્વી શો અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ ચેન્નઈના બોલર્સની ધોલાઈ કરી હતી. આ જોડીએ ૧૦.૪ ઓવરમાં ૯૪ રનની ભાગીદારી નોંધાવી હતી.
બંને બેટ્સમેનોએ આક્રમક બેટિંગ કરી હતી. ધવન ૨૭ બોલમાં ૩૫ રન નોંધાવીને આઉટ થયો હતો. તેણે ત્રણ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. જ્યારે પૃથ્વી શો અડધી સદી નોંધાવવામાં સફળ રહ્યો હતો. તેણે ૪૩ બોલમાં નવ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૬૪ રનની તાબડતોબ ઈનિંગ્સ રમી હતી. ત્યારબાદ રિશભ પંત અને કેપ્ટન શ્રેયસ ઐય્યરે પણ રન ગતિ જાળવી રાખી હતી. પંતે અંતિમ ઓવર્સમાં કેટલાક આકર્ષક શોટ્સ ફટકાર્યા હતા.