દિલ્હી કેપિટલ્સ હૈદરાબાદને હરાવીને ફાઈનલમાં પહોંચી
દુબઈ: શિખર ધવનની અડધી સદી તથા માર્ક્સ સ્ટોઈનિસ અને શિમરોન હેતમાયરની આક્રમક બેટિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે અબુધાબી ખાતે રમાઈ રહેલી બીજી ક્વોલિફાયર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ૧૯૦ રનનો સ્કોર નોંધાવ્યો છે. આ મેચની વિજેતા ટીમ આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐય્યરે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો.
જેને તેના બેટ્સમેનો યોગ્ય ઠેરવ્યો હતો અને જંગી સ્કોર નોંધાવ્યો હતો જેમાં ધવને શાનદાર અડધી સદી ફટકારી હતી. જેની મદદથી દિલ્હી કેપિટલ્સ ટીમે નિર્ધારીત ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૧૮૯ રનનો સ્કોર નોંધાવ્યો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમે મેચમાં એક મોટો ફેરફાર કર્યો હતો. કંગાળ ફોર્મમાં રમી રહેલા પૃથ્વી શોના સ્થાને માર્ક્સ સ્ટોઈનિસને ઓપનિંગમાં મોકલ્યો હતો.
સ્ટોઈનિસે શિખર ધવનની સાથે મળીને દિલ્હીને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. સ્ટોઈનિસે તાબડતોબ બેટિંગ કરીને ટીમના મોટા સ્કોરમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે સાથી ઓપનર ધવન સાથે મળીને ૮.૨ ઓવરમાં ૮૬ રનની ભાગીદારી નોંધાવી હતી. તેણે ૨૭ બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સર સાથે ૩૮ રન નોંધાવ્યા હતા.
સ્ટોઈનિસ આઉટ થયા બાદ શિખર ધવને પોતાની આક્રમક બેટિંગ જારી રાખી હતી. જેમાં તેને શિમરોન હેતમાયરનો સાથ મળ્યો હતો. સ્ટોઈનિસ આઉટ થયા બાદ કેપ્ટન ઐય્યર ૨૦ બોલમાં ૨૧ રન નોંધાવીને આઉટ થયો હતો. પરંતુ ધવન અને હેતમાયરની જોડીએ આક્રમક બેટિંગ કરીને ટીમના સ્કોરને મોટો બનાવ્યો હતો. ધવને વધુ એક અડધી સદી ફટકારી હતી.
ધવને ૫૦ બોલમાં ૭૮ રન ફટકાર્યા હતા જેમાં છ ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. જ્યારે હેતમાયરે ૨૨ બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૪૨ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. રિશભ પંત બે રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. હૈદરાબાદ માટે સંદીપ શર્મા, જેસન હોલ્ડર અને રાશિદ ખાને એક-એક વિકેટ ઝડપી હતી.