દિલ્હી ખાતે કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કતારના ઉર્જા મંત્રીશ્રી સાથે બેઠક યોજાઈ
ગુજરાતને લાંબા ગાળા માટે વાજબી ભાવે ગેસ પુરવઠો પૂરો પાડવા માટે રાજ્યના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે કતારના ગેસ પુરવઠા મંત્રી શ્રી સાદ શેરીદા અલ કાબીને અપીલ કરી હતી. કેન્દ્રીય પેટ્રોલીયમ અને નેચરલ ગેસ બાબતોના મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કતારના ઉર્જા મંત્રી શ્રી સાદ શેરીદા અલ કાબી વચ્ચે દિલ્હી ખાતે યોજાયેલ ધ્વીપક્ષીય બેઠકમાં રાજ્યના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે આ રજૂઆત કરી હતી.
રાજ્યના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે કતારના ઉર્જા મંત્રીશ્રી સાથે ચર્ચા દરમિયાન રાજ્યમાં આવેલા ગેસ આધારિત પાવર પ્લાન્ટ અંગે માહિતી આપી હતી. રાજ્યમાં રાજ્ય સરકાર હસ્તકના ૨૫૦૦ મેગાવોટ ગેસ આધારિત પાવર પ્લાન્ટ અને ખાનગી ક્ષેત્રના ૧૫૦૦ મેગાવોટ ક્ષમતા ધરાવતા ગેસ આધારિત પાવર મળી રાજ્યમાં કુલ ૪૦૦૦ મેગાવોટ ક્ષમતાના પાવર પ્લાન્ટ કાર્યરત છે. જો કુલ ક્ષમતાનાં ૭૦% પ્લાન્ટ પણ ચાલે તો દર વર્ષે ૩.૫ મિલિયન ટન ગેસની જરૂરીયાત હોય આ ગેસ સત્વરે મળે એ માટે અપીલ કરી છે.
ઉર્જામંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે રાજ્યમાં કુલ ૧૮ લાખ ઘરોમાં પાઈપલાઈન આધારે નાગરિકોને ગેસ પૂરો પાડવામાં આવે છે અને આગામી દિવસોમાં આ આંકડો ૨૨ થી ૨૪ લાખ સુધી લઇ જવાનું રાજ્ય સરકારનું લક્ષ્યાંક છે. દેશભરમાં કુલ ૨૪૦૦૦ મેગાવોટ ક્ષમતા ધરાવતા ગેસ આધારિત પાવર પ્લાન્ટ છે જેમાં ૨૧% હિસ્સો માત્ર ગુજરાતનો છે ત્યારે ગુજરાતને લાંબા ગાળા માટે વાજબી કિંમતે ગેસ મળી રહે તે માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કતારના ગેસ પુરવઠા મંત્રીશ્રી દ્વારા શ્રી સૌરભભાઈ પટેલને આ અંગે ખાતરી પણ આપવામાં આવી હતી.