દિલ્હી: ચેકિંગ દરમિયાન દોઢ કિલોમીટર સુધી પોલીસ કોન્સ્ટેબલ કાર પર લટકી રહ્યો
નવી દિલ્હી, પાટનગર નવી દિલ્હીમાં સડક પર ચેકિંગ દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલે કાર અટકાવવાનો સંકેત કર્યો છતાં કાર દોડાવી રહેલા એક કારચાલકને પકડવા કોન્સ્ટેબલ કારના બોનેટ પર લટકી ગયો હતો અને આમ છતાં કારચાલક એને દોઢ કિલોમીટર સુધી ઘસડી ગયો હતો. દોઢેક કિલોમીટર દોડાવ્યા પછી એણે કાર રોકી અને કોન્સ્ટેબલને બોનેટ પરથી ઊતરવાનું કહ્યું. જેવો પોલીસ કોન્સ્ટેબલ ઊતર્યો કે તરત પેલો ફરી કાર ભગાવી ગયો હતો.
આ ઘટનાની વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું કે કારમાં ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલી વ્યક્તિએ આ વિડિયો ક્લીપ બનાવી હતી. આ વિડિયો ક્લીપ વાઇરલ થયા બાદ પોલીસ હવે સક્રિય થઇ હતી અને કારચાલકને પકડી પાડવાની કવાયત શરૂ કરી હતી. જો કે આ ઘટના 2019ના નવેંબરની છે જ્યારે નાગલોઇ ચોક પર પોલીસ ટ્રાફિકના નિયમો તોડનારા લોકો સામે રસીદ બનાવી રહ્યા હતા ત્યારે સાવ વિરુદ્ધ દિશામાંથી એક કાર ધસી આવી હતી.
કોન્સ્ટેબલે એનો રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર અટકાવવાને બદલે પેલાએ કાર દોડાવવાનું ચાલુ રાખ્યું હતું એટલે એક કોન્સ્ટેબલ કારના બોનેટ પર ચડી ગયો હતો. એના જાનનું જોખમ હતું છતાં પેલાએ કાર અટકાવી નહોતી. દોઢેક કિલોમીટર કાર દોડાવ્યા પછી એણે કાર રોકી હતી. જેવો કોન્સ્ટેબલ બોનેટ પરથી ઊતર્યો કે તરત પેલો ફરી કાર ભગાવી ગયો હતો. હવે કાર અને એના ડ્રાઇવરને શોધી કાઢવા પોલીસ તપાસ ચાલુ થઇ હતી.