દિલ્હી જતો દૂધ-ફળ-શાકભાજીનો સપ્લાય રોકી દઈશુ, ખેડૂતોના સમર્થનમાં ખાપ પંચાયતની ધમકી
નવી દિલ્હી,સરકારના કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતોએ દિલ્હીની બોર્ડરો પર ધામા નાંખ્યા હોવાથી લાખો દિલ્હીવાસીઓની મુશ્કેલી વધી ચુકી છે.
હવે તેમની મુશ્કેલીમાં વધારો થાય તેવા એંધાણ વરતાઈ રહ્યા છે.ખેડૂત આંદોલનના સમર્થનમાં હરિયાણાની ખાપ પંચાયતોએ કહ્યુ છે કે, જો3 ડિસેમ્બરે થનારી વાટાઘાટોમાં કોઈ સમાધાન નહીં થાય તો દિલ્હીમાં દુધ, ફળ અને શાકભાજીની સપ્લાય જ બંધ કરી દેશે.
ખાપ પંચાયતોએ પણ દિલ્હી તરફ કૂચ કરવાનુ આહવાન આપ્યુ છે.ખેડૂત નેતાઓ ઘરે ઘરે જઈને લોકોને દિલ્હી જવા માટે અપીલ કરી રહ્યા છે.બીજી તરફ નોએડા અને દિલ્હી જવાના રસ્તાઓ પર ખેડૂતોએ કરેલા પ્રદર્શનના પગલે નોએડા-ગ્રેટર નોએડા એક્સપ્રેસ વે જામ કરી દેવામાં આવ્યો છે.જેના પગલે મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવી પડી છે.
ખેડૂતો પહેલેથી જ દિલ્હીની બોર્ડર પર અડિંગો જમાવીને બેઠા છે.તેમના માટે ભોજનનો સપ્લાય પણ કરવામાં આવી રહ્યો છે.જેથી આંદોલનને લાંબુ ચલાવી શકાય.પંજાબના સંખ્યાબંધ ગામડાઓ ખાલી થઈ ગયા છે.કારણકે ખેડૂતો પ્રદર્શન કરવા માટે દિલ્હી બોર્ડર પર પહોંચી ચુક્યા છે.