દિલ્હી જેવું જ આંદોલન દરેક શહેરમાં કરવા ટિકૈતની અપીલ
બેંગલુરૂ: નવા કૃષિ કાયદાને લઇને ચાલી રહેલા ખેડૂત આંદોલનને વધુ ઉગ્ર અને મોટુ બનાવવાની તૈયારી ચાલી રહી છે. ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે શનિવારે કહ્યું હતું કે તમારે બેંગલુરૂમાં પણ દિલ્હીની જેમ ધરણા કરવાની જરૂર છે અને ચારેય તરફથી બેંગલુરૂને ઘેરી લેવું જાેઇએ.
કર્ણાટકમાં શિવગંગામાં એક રેલીને સંબોધતા કિસાન નેતા ટિકૈતે કહ્યું હતું કે દિલ્હીમાં લાખો લોકો ઘેરાવ કરી રહ્યા છે. બેંગલુરૂમાં પણ આવુ જ થવું જાેઇએ. તેમણે કહ્યું કે ખેડૂતોનું આ આંદોલન લાંબા સમય સુધી ચાલશે, જ્યાં સુધી આ ત્રણ કાળા કાયદાઓના પરત લેવામાં નહીં આવે અને ટેકાના ભાવ મુદ્દે કાયદો ન બને ત્યાં સુધી આપણે દરેક શહેરમાં દિલ્હીમાં ચાલી રહ્યું છે તેવું આંદોલન કરવાની જરૂર છે.
સાથે ટિકૈતે કહ્યું કે વડા પ્રધાન મોદી કહે છે કે ખેડૂત ઇચ્છે ત્યાં પોતાનો પાક વેચી શકશે. માટે હવે હું ખેડૂતોને કહુ છું કે તમે તમારો પાક કલેક્ટર, એસડીએમ પાસે લઇને જાવ અને તેમને કહો કે આ રહ્યો અમારો પાક તેને ખરીદો.
ટિકૈતે કહ્યું કે જાે આ આંદોલન નહીં થાય તો દેશને વેચી દેવામાં આવશે. આગામી ૨૦ વર્ષમાં ખેડૂતો પોતાની જમીન ગુમાવી દેશે. જે મોટી કંપનીઓ છે તેની સામે આંદોલન કરવું જ પડશે.
હાલ દેશભરમાં ૨૬ જેટલી સરકારી કંપનીઓનું ખાનગીકરણ થવા જઇ રહ્યું છે. આપણે આ ખાનગીકરણને રોકવાની જરૂર છે. સરકારી કંપનીઓનું ખાનગીકરણ થઇ રહ્યું છે તેના વિરોધમાં પણ લોકોએ આંદોલન કરવું જ પડશે. રાકેશ ટિકૈત હવે રાજસૃથાનમાં પણ એક વિશાળ ખેડૂત આંદોલન ચલાવવા જઇ રહ્યા છે.
આ માટે એક વિશાળ સભાને તેઓ મંગળવારે રાયપુરમાં સભાને સંબોધશે. દરમિયાન કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી ઇસ્ટર્ન યુપીમાં કિસાન પંચાયતને સંબોધવા જઇ રહ્યા છે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર પણ આ કાયદાઓને લઇને વિરોધ કરે તે માટે પ્રિયંકા આ મામલે વિરોધ પ્રદર્શન કરશે.