દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં કમોસમી વરસાદ
નવી દિલ્હી, પાટનગર નવી દિલ્હી અને રાજસ્થાન, પંજાબ તથા હરિયાણામાં ગુરૂવારે બપોર પછી અચાનક હવામાને પલટો લીધો હતો અને સાંજે તો ધોધમાર વરસાદ પડવા લાગ્યો હતો. પરિણામે હવામાં ઠંડક વધી ગઇ હતી અને રાત્રે તો લોકોએ ગરમ કપડાં પહેરવાં પડ્યાં હતાં. એ પહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી માવઠું થયું હતું. ગુજરાત રાજ્યમા ંકેટલાંક સ્થળોએ તો ધોધમાર વરસાદ પણ પડ્યો હતો પરિણામે ખેડૂતોની ચિંતા વધી ગઇ હતી.
આમ તો હવામાન વિભાગે બે દિવસ પહેલાં વરસાદની આગાહી કરી હતી પરંતુ કેટલીકવાર હવામાન ખાતાની આગાહી સાચી પડતી નથી કારણ કે કુદરત ના મિજાજ વિશે આગાહી કરી શકાતી નથી. એટલે લોકો બેફિકર હતા પરંતુ ગુરૂવારે બપોર પછી ખરેખર હવામાને પલટો લીધો હતો અને વરસાદ તૂટી પડ્યો હતો. દિલ્હી અને પાડોશી રાજ્યોમાં તાપમાન ઘટી જતાં ઠંડી વધી ગઇ હતી. આમ તો માગશર મહિનામાં ઠંડી પડતી જ હોય છે પરંતુ વરસાદ પડવાથી ઠંડી વધી ગઇ હતી.
વરસાદ એવો વધી ગયો હતો કે દિલ્હીથી વિવિધ સ્થળે જતી કેટલીક ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી. એરપોર્ટ પર વિઝિબિલિટી સાવ ઘટી ગઇ હતી. દિલ્હી અને એનસીઆરના કેટલાક વિસ્તારોમાં તો કરા પણ પડ્યા હતા. આજે શુક્રવારે પણ વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી હતી.