દિલ્હી પાણી-પાણી, રાજધાનીમાં વરસાદે તોડ્યો ૪૫ વર્ષનો રેકોર્ડ
નવીદિલ્હી,: તાઉતે વાવાઝોડાનાં કારણે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વિનાશ સર્જાયો છે, હવે વાવાઝોડું હરિયાણા તરફ વળી ગયુ છે. વાવાઝોડાની અસર અન્ય રાજ્યોમાં પણ જાેવા મળી રહી છે. દિલ્હી-એનસીઆર સહિતનાં અનેક રાજ્યોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. દિલ્હીમાં વરસાદે ૪૫ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગઈકાલે, મે મહિનાનો સૌથી વધુ વરસાદ (૬૦ મીમી) થયો હતો. અગાઉ મે ૧૯૭૬ માં ૫૯ મીમી વરસાદ નોંધાયો હતો.
સતત વરસાદને કારણે દિલ્હીનાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે પરંતુ વરસાદને કારણે દિલ્હી પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અલગ-અલગ વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે. લોકોને મુસાફરી કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ ચાલુ છે. ગઈકાલે દિલ્હીનાં સફદરજંગ વિસ્તારમાં ૩૧.૩ મીમી અને પાલમમાં ૨૭.૮ મીમી વરસાદ નોંધાયો હતો. માત્ર દિલ્હી જ નહીં, ઉત્તર પ્રદેશ, ઉત્તર રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ગઈકાલથી ભારે વરસાદ ચાલુ છે, ઘણી જગ્યાએ વરસાદને કારણે વીજળી ગુલ થઇ ગઇ છે
જાેરદાર પવન ફૂંકાઇ રહ્યો છે. ઉત્તરાખંડનાં કેદારનાથમાં હિમવર્ષા થઈ રહી છે, ત્યારબાદ અહીં ખૂબ જ ઠંડીની સ્થિતિ જાેવા મળી રહી છે. આજે ઉત્તરકાશી, ચમોલી, પિથોરાગઢ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે દહેરાદૂન, તેહરી, રૂદ્રપ્રયાગ, પૌરી, બાગેશ્વર, નૈનીતાલ, હરિદ્વારમાં ભારે વરસાદ પડી શકે છે.
ઓરેન્જ એલર્ટ વચ્ચે આગામી બે દિવસ દિલ્હીમાં વરસાદની સંભાવના છે, જાેકે હવામાન વિભાગનું કહેવું છે કે આજે હળવા વરસાદની સંભાવના છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, પૂર્વોત્તર રાજસ્થાન અને ઉત્તર મધ્યપ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડા તાઉતેનો તાંડવ હજી અટક્યો નથી, આ દરમિયાન, બીજા એક ચક્રવાતે લોકોને મુશ્કેલીમાં મુક્યા છે.
જણાવી દઇએ કે, હવામાન વિભાગે તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં ૨૩-૨૪ મેની આસપાસ એક લો પ્રેશર દબાણ વિકસિત થતુ હોય તેવુ દેખાઇ રહ્યુ છે, જે વાવાઝોડામાં ફેરવાઇ શકે છે. હવામાન વિભાગની નજર આ દબાણ પર છે. આ તોફાનનું નામ ‘યાસ’ છે, જે નામ ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે. આઇએમડીએ કહ્યું છે કે આ સમયે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં આવેલા ચક્રવાત માટે તમામ પરિસ્થિતિઓ અનુકૂળ છે અને તેથી જ તોફાન આવી રહ્યા છે.