દિલ્હી પોલીસે ૭ લાખના ઈનામી મોસ્ટ વોન્ટેડ ગેન્ગસ્ટર કાલા જઠેડીની ધરપકડ કરી
નવીદિલ્હી: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને ભારે મોટી સફળતા હાથ લાગી છે. સ્પેશિયલ સેલે દેશના મોસ્ટ વોન્ટેડ ગેન્ગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જઠેડીની સહારનપુર, યુપી ખાતેથી ધરપકડ કરી છે. આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાનો અસફળ પ્રયત્ન કર્યો હતો. ગેન્ગસ્ટર જઠેડી પર ૭ લાખ રૂપિયાનું ઈનામ છે. ગેન્ગસ્ટર પર દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પંજાબમાં અનેક કેસ નોંધાયેલા છે.
જઠેડીની ગેન્ગમાં ૨૦૦ કરતા વધારે શૂટર્સ સામેલ છે. તેના મોટા ભાગના શૂટર્સ વિદેશમાં રહે છે અને વિદેશમાં બેસીને શૂટર આ ગેન્ગને ચલાવે છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કાલા જઠેડી પર મકોકા લગાવેલો છે. તે એક દશકાથી અપરાધની દુનિયા પર રાજ કરી રહ્યો છે.
સ્પેશિયલ સેલ ડીસીપી મનીષી ચંદ્રાએ જણાવ્યું કે, સ્પેશિયલ સેલ ટીમ ઘણા લાંબા સમયથી કાલા જઠેડીની પાછળ પડી હતી. આ દરમિયાન ટીમે ટેક્નિકલ સર્વિલાન્સની મદદથી સહારનપુરથી શુક્રવારે કાલા જઠેડીની ધરપકડ કરી લીધી હતી. આરોપીએ પોલીસ પાસેથી બચીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ટીમે ઘટના સ્થળે જ તેને પિસ્તોલ સાથે દબોચી લીધો હતો. કાલા જઠેડી આતંકના પર્યાય તરીકે ઓળખાવા લાગ્યો હતો અને હાલ સ્પેશિયલ સેલ ટીમ તેની પુછપરછ કરી રહી છે.
દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે, સોનીપત રાઈના જઠેડી ગામનો રહેવાસી ગેન્ગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જઠેડી દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સહિત ૫ રાજ્યોમાં મોસ્ટ વોન્ટેડ છે. કાલાએ ૧૨મા ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે અને તે પહેલા કેબલ ઓપરેટર હતો. જૂન ૨૦૦૯માં તેણે રોહતકના સાંપલા ખાતે લૂંટ દરમિયાન પહેલી હત્યા કરી હતી અને ત્યારથી તેના કારનામાની યાદી લાંબી થતી ચાલી હતી. તે પહેલા લોરેન્સ બિશ્નોઈ ગેન્ગ માટે કામ કરતો હતો પરંતુ હવે પોતાની ગેન્ગ ચલાવે છે. તેની ટોળકી કાલા જઠેડી અને લોરેન્સ વિશ્રાઈ તરીકે ઓળખાય છે.
જાણવા મળ્યા મુજબ કાલા નેપાળના રસ્તે થાઈલેન્ડ બાજુ ભાગી ગયો હતો. પોલીસના કહેવા પ્રમાણે કાલા જઠેડીની ગેન્ગ હાલ એનસીઆરમાં સૌથી મોટી ગેન્ગ છે. આ ગેન્ગ પર હત્યા, હત્યાનો પ્રયત્ન, એક્સટોર્શન, લૂંટ અને ચોરી જેવા અનેક ડઝન કેસને અંજામ આપવાનો આરોપ છે. કાલાની ધરપકડ માટે વિવિધ રાજ્યોની પોલીસે ૭ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.ગત ૪ જૂનના રોજ જ્યારે ઓલમ્પિયન સુશીલ કુમારે જૂનિયર પહેલવાન સાગર ધનખડની હત્યા કરી હતી ત્યારે કાલા જઠેડીનું નામ ચર્ચામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં સુશીલ કુમારને કાલા સાથે સંબંધ હોવાનું સામે આવ્યું હતું. તે તેના નાના ભાઈના લગ્નમાં તેના ગામ પણ ગયો હતો.