દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પાવર કટોકટી ઘેરી બની
મુંબઈ, કોલસાની કમીને કારણે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડે વીજળીની આપૂર્તિ કરનાર વીજળી કેન્દ્રોના કુલ ૧૩ યુનિટને રવિવારે બંધ કરવા પડ્યા છે. તેના કારણે રાજ્યમાં ૩૩૦૦ મેગાવોટ વીજળીની આપૂર્તિ બંધ થઈ ગઈ છે. સ્થિતિ એવી છે કે ગ્રાહકોને ઓછી વીજળીનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી રહી છે.
ગ્રાહકોને ડિમાન્ડ અને સપ્લાયને સંતુલિત કરવા માટે સવારે ૬થી ૧૦ અને સાંજે ૬થી રાત્રે ૧૦ કલાક સુધી વીજળીનો ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી છે. ચંદ્રપુર, ભુસાવલ અને નાસિકની ૨૧૦-૨૧૦ મેગાવોટ, પારસ ૨૫૦ મેગાવોટ અને ભુસાવલ અને ચંદ્રપુરના ૫૦૦ મેગાવોટના એકમોને બંધ કરી દેવામાં આવ્યા છે.
આ સિવાય પોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડના ૬૪૦ મેગાવોટના ૪ અને રતન ઈન્ડિયા પાવર લિમિટેડ (અમરાવતી)ના ૮૧૦ મેગાવોટના ૩ સેટ બંધ છે. વર્તમાનમાં વીજળીની ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે ૩૩૩૦ મેગાવોટના અંતરને ભરવા માટે ખુલ્લા બજારમાંથી વીજળી ખરીદવામાં આવી રહી છે.
દેશભરમાં વીજળીની માંગ વધવાને કારણે વીજળીનું ખરીદ મૂલ્ય પણ વધી ગયું છે. ખુલ્લા બજારમાંથી ૧૩.૬૦ રૂપિયા પ્રતિ યુનિટના દરથી ૭૦૦ મેગાવોટ વીજળી ખરીદવામાં આવી રહી છે. રવિવારે સવારે રીયલ ટાઇમ ટ્રાન્જેક્શનથી ૯૦૦ મેગાવોટ વીજળી ૬.૨૩ રૂપિયા પ્રતિ યુનિટના દરે ખરીદવામાં આવી છે.
આ ઉપરાંત, કોયના ડેમ તેમજ અન્ય નાના હાઈડ્રો પાવર પ્લાન્ટ અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો દ્વારા વીજળી આપવામાં આવી રહી છે.