દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલનને વધુ ઉગ્ર બનાવાશે
નવીદિલ્હી: સરકારના નવા કૃષિ કાયદા સામેના આંદોલનને ફરી એક વખત ઉગ્ર બનાવવા માટે કવાયત શરૂ થઈ ગઈ છે. જેના ભાગરૂપે દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર આંદોલનમાં સામેલ થવા માટે યુપીથી હજારો ખેડૂતો ફરી રવાના થઈ રહ્યા છે.
સાત મહિનાથી દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર ચાલી રહેલુ આંદોલન કોરોનાની બીજી લહેર બાદ સુસ્ત પડ્યુ છે. જેમાં તેજી લાવવા માટે આજે ભારતીય કિસાન યુનિયને ટ્રેક્ટર યાત્રા કાઢવાની જાહેરાત કરી છે. બપોરે બે વાગ્યે આ યાત્રાનો પ્રારંભ થયો છે. જે ગાઝીપુર બોર્ડર પર પૂરી થશે.
ગાઝીપુર પહોંચતા આ ખેડૂતોને ૨૫ જૂન સુધીનો સમય લાગશે. આ યાત્રામાં હજારો ખેડૂતો ટ્રેકટરો સાથે સામેલ થશે. રસ્તા પર બીજા મુસાફરોને હેરાન ના થવુ પડે તે માટે ટ્રેકટર યાત્રા શિસ્તબધ્ધ રીતે કાઢવામાં આવશે તેવુ ખેડૂત આગેવાન નરેશ ટિકૈતનુ કહેવુ છે. રસ્તામાં પણ બીજા ખેડૂતો આ યાત્રામાં જાેડાશે.
દરમિયાન યુપીના મુઝફ્ફરનગરમાં ઘઉંની ખરીદી નહીં થઈ રહી હોવાથી બુધવારે ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો અને ધરણા પર બેસી ગયા હતા. એ પછી સાંજે ખેડૂતો ઘરે પાછા ફર્યા હતા. આમ યુપીમાં સરકાર નવા કાયદાનો વિરોધ અને ઘઉંની ખરીદી એમ બે મુદ્દે હવે ખેડૂતોના રોષનો સામનો કરી રહી છે.