દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, હૈદ્રાબાદ, જયપુરમાં બ્રોડબેન્ડ સેવા ખોરવાઈ
નવી દિલ્હી, તા. 7 : દેશની ટોચની મોબાઇલ કંપની એરટેલની બ્રોડબેન્ડ સેવા ગઇકાલે રાત્રે ખોરવાઇ જતા દેશના કરોડો યુઝર્સ ઇન્ટરનેટ સેવાથી વંચિત રહી ગયા હતા અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીના જણાવ્યા મુજબ ગઇકાલે દિલ્હી, એનસીઆર, મુંબઇ, બેંગ્લોર, હૈદ્રાબાદ, જયપુર અને દેશના અનેક શહેરોમાં બ્રોડબેન્ડ સેવા ખોરવાઇ ગઇ હતી. જેના કારણે ઘરેલું બ્રોડબેન્ડ તથા મોબાઇલ ઇન્ટરનેટ બંને સેવાને મોટી અસર થઇ હતી.
એરટેલ દ્વારા પણ તેમની સેવામાં આ ક્ષતિ થયાનું સ્વીકાર્યુ હતું અને એરટેલના લગભગ 39 ટકા ગ્રાહકોને આ સેવા મળી ન હતી અને તે મોડી રાત સુધી ચાલુ રહી હતી. જયારે કંપનીના જણાવ્યા મુજબ તબકકાવાર દિલ્હી, મુંબઇ સહિતના શહેરોમાં બ્રોડબેન્ડ સેવા પૂર્વવત થઇ ગઇ છે
અને કંપનીએ આ માટે સબમરીન કેબલમાં કોઇ ક્ષતિ હોવાનું જણાવ્યું છે જોકે હજુ સુધી આ અંગે કોઇ તાત્કાલીક કંપનીની યાદી બહાર આવી નથી. જોકે ગુજરાતમાં એરટેલની સેવા યથાવત રહી હતી બીજી તરફ દિલ્હીમાં આજે સવારે ફરી એક વખત એરટેલની બ્રોડબેન્ડ સેવા ખોરવાઇ હોવાના અહેવાલ છે અને હજુ સુધી કંપની દ્વારા કોઇ નિવેદન કે ખુલાસો બહાર આવ્યો નથી.