Western Times News

Gujarati News

દિલ્હી લિકર પોલિસી કેસમાં કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી: જાણો આ છે કારણ

File

7 મે સુધી તિહાડ જેલમાં રહેશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ, ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે. કવિતા અને ચનપ્રીત સિંહની જ્યુડિશિયલ કસ્ટડી ૭ મે સુધી લંબાવી હતી. દિલ્હી લિકર પોલિસી કેસમાં ત્રણેયની કસ્ટડી ૧૪ દિવસ માટે લંબાવવામાં આવી છે.

આ રીતે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હાલ તિહાડ જેલમાં જ રહેવાના છે. કવિતાને પણ તિહાડ જેલમાં રાખવામાં આવ્યા છે. રાઉસ એવન્યુ કોર્ટે સીબીઆઈ કેસમાં કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી વધારી દીધી છે, જે દિલ્હી લિકર પોલિસી સાથે સંબંધિત છે.

કેજરીવાલ, કવિતા અને ચનપ્રીતને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલની ગયા મહિને ૨૧ માર્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

એ જ રીતે કેજરીવાલની ધરપકડના લગભગ એક અઠવાડિયા પહેલા ઈડ્ઢએ કવિતાની હૈદરાબાદથી ૧૫ માર્ચે ધરપકડ કરી હતી. ચનપ્રીતની ૧૫ એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી. જ્યુડિશિયલ કસ્ટડી વધારવાનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે કોર્ટે આમ આદમી પાર્ટીના વડાની એક અરજીને ફગાવી દીધી હતી. આમાં કેજરીવાલે માંગ કરી હતી કે તેમને તેમની પત્ની સુનીતા કેજરીવાલની હાજરીમાં દરરોજ ૧૫ મિનિટ માટે તેમના ડૉક્ટરો સાથે તબીબી સલાહ લેવાની મંજૂરી આપવામાં આવે.

જો કે, કોર્ટે નિર્દેશ આપ્યો કે કેજરીવાલને જરૂરી તબીબી સારવાર આપવામાં આવે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે તિહાડ જેલ સત્તાવાળાઓ એઈમ્સના નિર્દેશક દ્વારા રચાયેલ મેડિકલ બોર્ડની નિમણૂક કરશે, જેમાં એન્ડોક્રિનોલોજિસ્ટ અને ડાયાબિટોલોજિસ્ટનો સમાવેશ થશે. બોર્ડ નક્કી કરશે કે કેજરીવાલના લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવા માટે ઇન્સ્યુલિનની જરૂર છે કે નહીં.

આ ઉપરાંત બોર્ડ તેમના સ્વાસ્થ્યને લગતા અન્ય પાસાઓ પર પણ ધ્યાન આપશે. અરવિંદ કેજરીવાલનું બ્લડ સુગર વધી જતાં તેમને ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હતું. તિહાડના એક અધિકારીએ મંગળવારે (૨૩ એપ્રિલ) જણાવ્યું હતું કે એઈમ્સના ડૉક્ટરોની સલાહ પર કેજરીવાલને સોમવારે સાંજે ઓછી માત્રામાં ઇન્સ્યુલિનના બે યુનિટ આપવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે દિલ્હીના સીએમની બ્લડ સુગર વધીને ૨૧૭ થઈ ગયું હતું ત્યારબાદ તેમની સંભાળ લઈ રહેલા ડોક્ટરોએ ઈન્સ્યુલિન આપવાનો નિર્ણય કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.