દિલ્હી સરકારે ફરી પ્રતિબંધો લગાવવાનું શરૂ કર્યું: માસ્ક ના પહેરનારને રૂ. 500નો દંડ
નવી દિલ્હી, દિલ્હીમાં ફરી એક વાર માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામં આવ્યું છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)એ બુધવારે તેમની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લીધો છે.
તેમણે કહ્યું છે કે, માસ્ક ના પહેરનારને રૂ. 500નો દંડ કરવામાં આવશે. આ બેઠકમાં સ્કૂલો બંધ ના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. DDMAના જણાવ્યા પ્રમાણે, કોવિડના નવા વેરિયન્ટ B. 1.10, B.1.12 વેરિયન્ટના પ્રાથમિક સંકેત મળ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
દુનિયાની સાથે ભારતમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે મંગળવારે દિલ્હીમાં 632 નવા કેસ નોંધાયા છે. જોકે પોઝિટિવ રેટમાં ઘટાડો નોંધાયો છે.
પોઝિટિવ રેટ 7.72%થી ઘટીને 4.42% થયો છે. સારી વાત એ છે કે, છેલ્લાં 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના કારણે કોઈનું મોત થયું નથી. નવા કેસ આવ્યા પછી દિલ્હીમાં એક્ટિવ કેસ 1900થી વધારે થઈ ગયા છે.
મુંબઈમાં એક વાર ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે. 45 દિવસમાં અહીં સૌથી વધારે નવા કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં કોવિડના 85 નવા કેસ નોંધાયા છે. આખા મહારાષ્ટ્રની વાત કરીએ તો કુલ 137 નવા કેસ નોંધાયા છે, ત્રણ લોકોના મોત થયા છે. નવા કેસ નોંધાયા પછી રાજ્યમાં હવે કુલ એક્ટિવ કેસ 660 થઈ ગયા છે.
ભારતમાં રોજ નવા આવતા કેસમાં દિલ્હી સહિત અન્ય ચાર રાજ્યોમાં પણ કેસ વધી રહ્યા છે. અહીં પોઝિટિવ રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રએ વેક્સિન અને પ્રિકોશન ડોઝ વધારવા વિશે કહ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે રાજ્યોને ફાઈવ ફોલ્ડ સ્ટ્રેટજી પર કામ કરવા કહ્યું છે. તેમાં ટેસ્ટ, ટ્રેક, વેક્સિન અને કોવિડ નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.