દિલ્હી સરકાર પદ્મ પુરસ્કારમાં માટે મોકલશે ડોક્ટર્સ અને હેલ્થ વર્કર્સના નામ : કેજરીવાલ

નવીદિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે મોટી જાહેરાત કરતા કહ્યું કે દિલ્હી સરકાર આ વર્ષે પદ્મ એવોર્ડ માટે માત્ર ડોકટરો અને પેરા-મેડિકલ સ્ટાફના નામ મોકલશે. આ માટે ૧૫ ઓગસ્ટ સુધી ઈ-મેઇલ દ્વારા દિલ્હીવાસીઓ પાસેથી સૂચનો લેવામાં આવશે. આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે આ સમય એ છે કે કોવિડ -૧૯ મહામારી દરમિયાન અમને બચાવનારા લોકોનું સન્માન કરવાનો.
પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં કેજરીવાલે કહ્યું કે અમારા આરોગ્ય કર્મચારીઓ છેલ્લા દોઢ વર્ષથી જીવન બચાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે તેના માટે આપણે સૌ આભારી હોઈશું. ડોકટરો, નર્સો વગેરે દિવસના ૨૪-૨૪ કલાક કામ કરે છે તેના માટે ફક્ત દેશ જ નહીં પરંતુ આખું વિશ્વ તેમનો આભાર માને છે.
કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે અમારી પાસે દેશભરમાં આવી સરકાર છે જેણે કોરોનાથી શહીદ થયેલા ફ્રન્ટ લાઈન વર્કરો એક કરોડ રૂપિયાનું સમ્માન આપ્યું છે. હવે બધા ડોકટરો, બધા આરોગ્ય કર્મચારીઓને આ વ્યક્ત કરવાનો અને અમે તેમના માટે કેટલા આભારી છીએ તે જણાવવાનો સમય છે. દર વર્ષે દેશ તેમના ક્ષેત્રમાં સારું કામ કરનાર વ્યક્તિત્વની પસંદગી માટે ભારત રત્ન અને પદ્મ એવોર્ડથી સન્માન કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ માટે કેન્દ્ર સરકાર લોકો પાસેથી નામ લે છે અને રાજ્ય સરકારો પાસેથી નામ પણ લેવામાં આવે છે. દિલ્હી સરકારે ર્નિણય કર્યો છે કે આ વર્ષે અમે ફક્ત ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓના નામ મોકલીશું. આ સાથે કેજરીવાલે કહ્યું કે અમે શહીદ મોરચાના વર્કરોને એક કરોડની સમ્માન રકમ આપીશું.મુખ્યમંત્રીએ કહ્યું કે આ માટે અમે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની અધ્યક્ષતામાં એક સ્ક્રીનીંગ કમિટી બનાવી છે જે લોકો દ્વારા મોકલેલા નામો અંગે ચર્ચા કરશે. ૧૫ દિવસમાં (૧૫ ઓગસ્ટ પછી) નામોની સ્ક્રીનિંગ કરશે અને દિલ્હી સરકારને નામોની ભલામણ કરશે. ત્યારે છેલ્લે નામો કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.
નોંધપાત્ર વાત એ છે કે, જ્યારે દિલ્હી કોરોના મહામારીની તીવ્ર બીજી લહેરની લપેટમાં હતી, તે દરમિયાન દરરોજ મોટી સંખ્યામાં લોકો પોતાનો જીવ ગુમાવતા હતા. ચેપના કેસ એટલા ઝડપથી વધી ગયા હતા કે દિલ્હીની હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત જાેવા મળી હતી. તમામ હોસ્પિટલો દર્દીઓ માટે સતત ઓક્સિજન સપ્લાય થાય તે માટે ઝઝૂમી રહી હતી.
૨૦ એપ્રિલે દિલ્હીમાં મહત્તમ ૨૮,૩૯૫ નવા કેસ નોંધાયા છે, જે એક દિવસમાં અત્યાર સુધીનો સૌથી વધુ છે. ૨૨ એપ્રિલે અહીં પોઝિટિવિટી રેટ ૩૬.૨ ટકા પર પહોંચી ગયો હતો. રાજધાનીમાં મહામારીને કારણે ૩ મેના રોજ એક જ દિવસમાં ૪૪૮ લોકોના મોત થયા હતા. મધ્ય મેની આસપાસ આ કેસમાં ઘટાડો થવાનું શરૂ થયું હતું અને હવે પોઝિટીવ દર એક ટકાથી નીચે છે. છેલ્લા ૩૦ દિવસમાં (૨૫ જૂનથી), રાજધાનીમાં કોરોના વાયરસના ચેપના ૨,૩૨૦ કેસ નોંધાયા છે, જે દરરોજ સરેરાશ ૭૭ કેસ છે.