દિલ્હી : હિંસક ભીડે BSF જવાનનું ઘર સળગાવ્યું
નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફેલાયેલી હિંસામાં બૉર્ડર સિક્યોરિટી ફોર્સના એક જવાનનું ઘર પણ સળગાવી દેવામાં આવ્યું હતું. બીજી તરફ દિલ્હીની હિંસામાં મૃતકોની સંખ્યા શુક્રવારે બપોર સુધી 42 પર પહોંચી છે. 25 ફેબ્રુઆરીના રોજ બપોરે ખજૂરી ખાસ શેરીમાં આવેલા ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાડી દેવામાં આવી હતી. આ તમામ ખબરો વચ્ચે એક બીએસએફ જવાનનું ઘર સળગી જવાનો મામલો સામે આવ્યો છે. ખજૂરી ખાસ સ્થિત ઘરની નેમ પ્લેટમાં લખ્યું છે કે મકાન નંબર 76 બીએસએફના મોહમ્મદ અનીસનું છે. જેમાં બીએસએફનું પ્રતીક ચિન્હ પર લાગેલું છે. જોકે, આ ઘરને હિંસાથી બચાવવા માટે આ પૂરતું ન હતું!
પહેલા ઘર બહાર ઉભેલી કારોમાં આગ લગાડી દેવામાં આવી હતી. જે બાદમાં ભીડે પથ્થરમારો કર્યો હતો. હિંસક ભીડે અનીસના ઘરમાં સિલિન્ડર ફેંકીને કહ્યું કે, ‘અહીં આવ પાકિસ્તાની, તને નાગરિકતા આપીએ છીએ.’
અનીસે પેરામિલિટરી ફોર્સમાં પોતાની કારકિર્દી વર્ષ 2013માં શરૂ કરી હતી અને આશરે ત્રણ વર્ષ જમ્મુ-કાશ્મીરમાં સેવા આપી હતી. અનીસના ઘરે તેના 55 વર્ષીય પિતા મોહમ્મદ મુનીસ, 59 વર્ષીય કાકા મોહમ્મદ અહમદ અને 18 વર્ષીય પિતરાઇ નેહા પરવીન હતા. કોઈ અજુગતું થવાની આશંકાએ તમામ લોકો ઘર બહાર નીકળી ગયા હતા, જે બાદમાં પેરામિલીટરી ફોર્સે તેમની મદદ કરી હતી.