Western Times News

Gujarati News

દિલ્હી-NCRમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

નવી દિલ્હી, લાંબા સમયથી વરસાદની આતુરતા પૂર્વક રાહ જોઈ રહેલા દિલ્હી-એનસીઆરના કરોડો લોકો માટે રાહતના સમાચાર છે. રવિવારે વહેલી સવારથી જ દિલ્હીની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે એક તરફ લોકોને બફારામાંથી રાહત મળી છે, તો બીજી તરફ નીચાણ વાળા વિસ્તારો જળ બંબાકાર થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. દિલ્હીની સાથે નોઈડા, ફરિદાબાદ અને ગાઝિયાબાદમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. દિલ્હીમાં રેલ ભવન અને તીન મૂર્તિ નજીક પણ મૂશળધાર વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાયા હોવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે. મૂશળધાર વરસાદને પગલે દિલ્હીના મિન્ટો રોડ વિસ્તારમાં આવેલ અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયા છે. આ દરમિયાન અહીંથી પસાર થઈ રહેલી એક DTC બસ પાણીમાં ડૂબી ગઈ હતી. જેના કારણે લોકો બસમાંથી નીકળીને છત પર ચઢી ગયા હતા. જ્યાંથી સીડીની મદદથી પેસેન્જરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

મધ્ય દિલ્હીમાં ભારે વરસાદના પગલે પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામો કરવો પડી રહ્યો છે. આજ રીતે હરિયાણાના નારનૌલ અને ફરીદાબાદમાં પણ ઝરમર વરસાદથી રવિવારની સવારે ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું છે. દિલ્હીમાં વરસાદ શરૂ થવાની સાથે જ સોશિયલ મીડિયામાં #DelhiRain ટૉપ ટ્રેન્ડમાં આવી ગયું છે. ભારતીય હવામાન વિભાગે પહેલા જ આગાહી કરી હતી કે, રવિવારે દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેશે અને ક્યાંક ભારે વરસાદ પણ વરસી શકે છે. દિલ્હીમાં 22 જુલાઈ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે. આ દરમિયાન વરસાદની પણ આગાહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.