દિવાલમાં બાકોરું પાડી ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ: ચોરીનો મુદ્દામાલ રીક્વર

ચાંદખેડાની બે ચોરીનો ભેદ ઉકેલાયો: ચોર પણ એ જ વિસ્તારમાં રહેતા હતા
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના ચાંદખેડા વિસ્તારમાં અઠવાડીયાના અંતરાલમાં જ જ્વેલરીની બે દુકાનોને ટાર્ગેટ બનાવીને દિવાલમાં બાકોરા પાડી ચોરી કરનારી ગેંગ છેવટે ઝડપાઈ ગઈ છે. ચોર ટોળકીમાંથી બે શખ્શો પોતે ચાંદખેડાના જ રહેવાસી હોવાનું બહાર આવ્યું છે તેમની પાસેથી શહેર ક્રાઈમબ્રાંચની ટીમે ચોરીનો તમામ મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે ર૪ નવેમ્બરના રોજ ચાંદખેડા આઈઓસી રોડ પર આવેલી રાજ જ્વેલર્સ નામની દુકાનની દિવાલમાં બાકોરું પાડીને તસ્કરો ર૦ લાખની કિંમતના દાગીના ઉપરાંત ૧.૩પ લાખ રૂપિયાની રોકડ ચોરી કરી ગયા હતા જેની તપાસ ચાલુ જ હતી એ જ દરમિયાન ગુરૂવારે પણ આઈઓસી રોડ પર જ આવેલી ગજાનંદ જ્વેલર્સ નામની અન્ય એક દુકાનમાં પણ દિવાલમાં કાણું પાડી ચોર ત્રાટક્યા હતા અને ૬.પ૦ લાખ રૂપિયાના દાગીના ઉપર હાથ સાફ કર્યો હતો.
ગણતરીના દિવસોમાં જ થયેલી આ બે ચોરીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો બીજી તરફ ક્રાઈમબ્રાંચની ટીમો પણ ચોરોને પકડવા સક્રીય હતી ત્યારે પીઆઈ જે.એન.ચાવડાની ટીમને આરોપીઓની બાતમી મળી હતી જેના આધારે તેમની ટીમો ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે પહોંચી હતી અને ત્યાંથી ભાગી જાય એ પહેલાં જ ત્રણ આરોપીઓને પકડી લીધા હતા.
જેમનાં નામ (૧) હિતેષ નાનજી પરમાર (આઈઓસી રોડ, ચાંદખેડા (ર) હિતેશ મુળજીભાઈ પારેગી તથા (૩) ભરત રાઠોડ (આઈઓસી રોડ, ચાંદખેડા) છે. પકડાયેલા બંને હિતેશ બનાસકાંઠાના ટડાવ ગામના છે જયારે ભરત ડુંગરપુર રાજસ્થાનનો વતની છે.
હિતેશ પરમાર અગાઉ દુકાનોમાં તથા જૈન દેરાસરમાં રોકડ તથા માલમત્તાની ચોરીઓના ગુનાસર થરાદ અને માવસરી પોલીસ સ્ટેશનમાં પકડાયેલો છે જયારે હિતેશ પારેગી પણ તેની સાથેના ઉપરાંત મારામારીના ગુનામાં પકડાઈ ચુકયો છે.
ત્રણેય આરોપીઓ દિવસે ટાર્ગેટ કરવા માટે દુકાન શોધીને તેની સામે તરફ ઉભા રહી રેકી કરતા હતા ટાર્ગેટ દુકાનના એરીયામાં વાહનો તથા રાહદારીઓની અવરજવર ઉપર પણ નજર રાખતા હતા. ઝીણામાં ઝીણી માહીતી એકત્રિત કર્યા બાદ ટાર્ગેટ દુકાનની બાજુવાળી દુકાનનું તાળુ ગેસ કટરથી ઓગાળી તેમાં હાથફેરો કર્યા બાદ દુકાનની દિવાલમાં કટર તથા કોસ વડે બાકોરું પાડીને મોટી ચોરીને અંજામ આપતાં હતા.