દિવાલ કુદીને શિકાર કરવા આવેલ દીપડો CCTV કેમેરામાં કેદ થયો

ઝઘડિયા,વાલિયા અને નેત્રંગ તાલુકાના ગ્રામજનોને દીપડાના આતંકથી મુક્તિ અપાવવા વનવિભાગના શરણે.
(વિરલ રાણા) ભરૂચ,વાલિયા તાલુકો દીપડા સહિતના પ્રાણીઓનું આશ્રય સ્થાન બની રહ્યો છે.તાલુકામાં શિકાર મળી રહેતો હોવાથી દીપડાની સંખ્યા પણ વધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.પશુઓના શિકારની અનેક ઘટનાઓ સામે આવી છે.
ત્યારે વાલિયા-નેત્રંગ રોડ ઉપર જલારામ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ આશાપુરા ટ્રેડર્સમાં ૮ ફૂટની દીવાલ કુદી અંદર પ્રવેશ કરી દીપડાએ પાલતું રોટ વીલર શ્વાનનું મારણ કરતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.તાજેતરમાં જોખલા ગામના એક ફાર્મ હાઉસમાં દીપડાએ મારણ કર્યા બાદ ગ્રામજનોએ તેને પકડી પાડવા ઘેરો નાખ્યો હતો.
પરંતુ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.ત્યારે વાલિયા ગામની સીમમાં થોડા દિવસ પહેલા દીપડાએ એક ગૌ-વંશનું મારણ કર્યું હતું.જે બાદ સોમવાર રાતે ૧૦:૪૦ કલાકે વાલિયા-નેત્રંગ રોડ ઉપર જલારામ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા આશાપુરા ટ્રેડર્સમાં દીપડો ઘૂસી આવ્યો હતો.
કિરણ લીમ્બાણીની કમ્પાઉન્ડની ૮ ફૂટ દીવાલ કુદી દીપડાએ અંદર પ્રવેશ કરી પાલતું રોટ વીલર શ્વાનને ફાડી ખાધો હતો.
આજરોજ મંગળવારે સવારે તેઓને શ્વાન જોવા નહીં મળતા તેને શોધવા ગયા હતા.તે દરમ્યાન તેઓને શ્વાન મૃત હાલતમાં જોવા મળ્યો હતો.
તેઓએ કમ્પાઉન્ડમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરતા તેમાં દીવાલ કુદી અંદર આવતો ભક્ષક દીપડો નજરે પડ્યો હતો.આ અંગે તેઓએ વન વિભાગમાં જાણ કરતા વાલિયા વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી મારણ સાથે પાંજરું મુકવાની તજવીજ હાથધરી છે.
બીજી તરફ વાલિયા, નેત્રંગ અને ઝઘડિયાની પ્રજા દીપડાના આતંક માંથી મુક્તિ અપાવવા વન વિભાગને રજુઆત કરી આવેદન આપ્યું છે. પાલતું શ્વાન રોટ વીલરનો દીપડાએ શિકાર કરતા હાલ વાલિયા નેત્રંગમાં શિકારી દીપડાને લઈ ભારે ભય ફેલાયો છે.