દિવાળીના તહેવારોમાં ઠંડીનો હળવો ચમકારો અનુભવાશે
૧ નવેમ્બર-૨માં એકાદશીએ ઠંડીનો પારો ગગડીને નીચે ૧૯ ડિગ્રીએ જઇ પહોંચશે
અમદાવાદ, કોરોનાનો પ્રકોપ હળવો થવાથી અમદાવાદીઓ દિવાળીના તહેવારોને ધામધૂમથી ઊજવવા માટે આતુર બન્યા છે. ઘરમાં દિવાળીની સાફસફાઇ ચાલુ થઇ ગઇ છે. બજારમાં ખરીદીના કારણે વેપારીઓના ચહેરા પર રોનક આવી છે. શહેરના રોડ પર પિક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા વધુ જટિલ બની છે.
આ દિવાળીમાં મોંઘવારીની ઝાળમાં સામાન્ય લોકો દાઝ્યા હોવા છતાં તેને ઉજવવાનો ઉત્સાહ જણાઇ આવે છે. શહેરમાં વાતાવરણ પણ ધીમે ધીમે આહલાદક બનતું જાય છે. હવે વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવતા શહેરીજનોને હળવી ઠંડી વચ્ચે દિવાળીના સપરમાં દિવસો માણવા મળશે.
શહેરમાં શિયાળાએ ધીમા પગલે આગમન કર્યું હોઇ વહેલી સવારનું વાતાવરમ ખુશનુમા બન્યુ છે. રોડ પર મોર્નિગ વોકર્સની સંખ્યામાં પણ વધારો જાેવા મળે છે. બગીચાઓમાં આરોગ્ય સંપદા માટે વોર્મઅપ રાઉન્ડ લેનારા સ્વારયાત્રીઓ વધ્યા છે. બીજી તરફ ગૃહિણીઓમાં સ્વચ્છતા અભિયાને જાેર પકડ્યુ છે.
હવે કોરોનાની બીક જતી રહી હોઇ નવા વર્ષના મંગળ દિવસોમાં સગાંસંબંધીઓ, મિત્રવર્તુળોને હરખભેર આવકારવા ગૃહિણીઓ ઘરને સજાવવામાં પડી છે. બાળકો પણ પરીક્ષા આપી રહ્યા હોઇ દિવાળી વેકેશનની આતુરતાથી રાહ જાેઇ રહ્યા છે. મમ્મી-પપ્પા સાથે આ દિવાળીએ કયા સ્થળે ફરવા જેવું તેની પણ ચર્ચા થઇ રહી છે.
આવા ઉમંગભર્યા માહોલમાં ગઇકાલે શહેરનું મહત્તમ તાપમાન ૩૪.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કે જે સામાન્ય તાપમાન કરતા એક ડિગ્રી ઓછુ હતુ, જ્યારે આજે લઘુતમ તાપમાન ૨૧.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું કે જે સામાન્ય તાપમાન કરતા બે ડિગ્રી વધુ હતુ, જ્યારે આજે સવારના ૮.૩૦ વાગ્યે હવામાનો ભેજ ૬૭ ડિગ્રી જેટલો હતો.
દરમિયાન સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા આગામી તા.૧ નવેમ્બર-૨ના એકાદશીએ ઠંડીનો પારો નીચે ગગડીને ૧૯ ડિગ્રીએ જઇ પહોંચશે અને દિવસે પણ ગરમીની તીવ્રતામાં ઘટાડો થયો છે તથા આગામી અઠવાડિયામાં વધુ ગરમી ઘટે તેવી આગાહી કરાઇ છે.