Western Times News

Gujarati News

દિવાળીની સફાઇ દરમિયાન ભૂલથી ત્રણ લાખના ઘરેણા કચરામાં નાંખી દીધા

મુંબઇ,દિવાળીના આ દિવસો દરમિયાન દરેક ઘરમાં તેમજ ઓફિસમાં સાફસફાઇ થાય છે. લોકો આખા વર્ષ દરમિયાન એકઠા થયેલી નકામી વસ્તુઓ અને કચરો પણ આ દરમિયાન કાઢે છે. ત્યારે મહારાષ્ટ્રમાં દિવાળીની સાફસફાઇ દરમિયાન એક મહિલાએ ત્રણ લાખની કિંમતના ઘરેણા કચરામાં ફેંકી દીધા. આ ઘટના મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડાની છે. જ્યાં રહેતી 45 વર્ષની એક મહિલાએ જૂની વસ્તુઓની સાથે જ એક પર્સને પણ કચરામાં ફેંકી દીધું. બાદમાં એ કચરાને પણ પિક વાનમાં ફેંક્યો અને ત્યાંથી એ કચરો ડમ્પ ડેપો પહોંચ્યો. જ્યાં આખા શહેરનો કચરો એકઠો થાય છે.

આ મબિલાનો દીકરો પ્રાઇવેટ નોકરી કરે છે અને નજીકના સમયમાં તેના લગ્ન પણ થવાના છે. મહિલાએ એવું વિચારીને ઘરેણા એ પર્સમાં મુક્યા હતા કે જ્યારે દીકરાની વહુ આવશે ત્યારે તેને આપી દેશે. મહિલાને બાદમાં યાદ આવ્યું કે જે પર્સ તેણે કચરામાં ફેંક્યુ તેની અંદર તો લાખો રુપિયાના ઘરેણા હતા. યાદ આવતાની સાથે જ મહિલાના હોશ ઉડી ગયા.

મહિલાએ આ વાત પોતાના દીકરાને કરી. ત્યારબાદ નગર નિગમના અધિકારીને આ વાત કરવામાં આવી. ત્યારબાદ તપાસ કરવામાં આવી કે કચરાની પિકઅપ વાને ક્યા સમયે ડેપોમાં જઇને કચરો ઠલવ્યો. તે સફાઇકર્મીનો નંબર મેળવવામાં આવ્યો, જે તે સમયે ડમ્પ યાર્ડમાં હાજર હતો.

હેમંત લખન નામનો સફાઇકર્મી ત્યારે ડેપોમાં હાજર હતો. તેની પાસે જઇને આ વાત કરવામાં આવી. જ્યારે બધા ડમ્પ ડેપો પહોંચ્યા તો ત્યાં કચરાના પહાડો હતા. જેને જોઇને મહિલાએ તો પર્સ મળવાની આશા છોડી દીધી. હેમંત લખને આ મહિલા ક્યા વિસ્તારમાં રહે છે અને ક્યા સમયે તેમનો કચરો અહીં આવ્યો હતો તેની માહિતિ મેળવી. તે વિસ્તારનો કચરો જ્યાં છલવાયો હતો ત્યાં 18 ટન કચરો એકઠો થયો હતો.

ત્યારબાદ હેમંતે કચરામાંથી પર્સ શોધવાનું શરુ કર્યુ. ઘણી મહેનત બાદ 33 વર્ષના હેમંતને સફળતા મળી અને ઘરેણા ભરેલું પર્સ મળ્યું. આ પહેલા પણ એક યુવતિની નવ તોલાનું મંગળસૂત્ર આ રીતે કચરામાં આવી ગયું હતું, ત્યારે પણ હેમંતે તે શોધી આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.