દિવાળીમાં અંબાજીના ભંડારામાં ૬૭૧૯૯૩૫ રૂપિયાની આવક થઈ
અંબાજી, દિવાળીના પર્વ દરમિયાન લોકો સામાન્ય રીતે દેવદર્શને જતાં હોય છે. ગુજરાતના મોટાભાગના પવિત્ર યાત્રાધામોમાં ભક્તોની ભીડ જાેવા મળે છે. દિવાળી દરમિયાન શક્તિપીઠ અંબાજીમાં પણ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. એકમથી પાંચમ સુધી રાત્રે ૧૧ વાગ્યા સુધી મંદિર ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું.
તહેવારો દરમિયાન આવેલા ભક્તોએ દિલ ખોલીને મા અંબાના ચરણમાં ચડાવો મૂક્યો હતો અને અંબાજી મંદિરનો ભંડાર છલકાઈ ગયો હતો. અંબાજીના ભંડારામાં કુલ ૬૭,૧૯,૯૩૫ રૂપિયાની આવક થઈ હતી. ભંડારાની આવકની વિગતે વાત કરીએ તો, ભેટ કાઉન્ટરમાં ૨૨,૬૧,૦૦૧ રૂપિયા આવક થઈ.
માતાજીની ગાદી પર ૬,૫૬,૭૦૧ રૂપિયા, સોનું ૧૯૯ ગ્રામ, ચાંદી ૨૦૩૨ ગ્રામ, સાડીની આવક ૧૦૯૭ નંગ થઈ. જ્યારે સાડી વેચાણ ૯૭૩ નંગ, પ્રસાદીના નાના ૧,૮૬,૬૪૧ પેકેટ વેચાયા, પ્રસાદીના મીડિયમ પેકેટ ૫૪,૨૪૧ અને પ્રસાદીના મોટા ૨૨,૦૧૮ પેકેટ વેચાયા હતા.
ભંડારામાં થયેલી આવકની ગણતરી બુધવારે હાથ ધરાઈ હતી. મહત્વનું છે કે, ચાલુ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે પ્રોટોકોલ સાથે મંદિરો ખોલવાની છૂટ આપી હતી. જેને પગલે અંબાજી મંદિરમાં ભંડારો ખોલવામાં આવ્યો હતો. દિવાળી સિઝનના ભંડારાની આવકની ગણતરીમાં ૭૦થી ૮૦ લોકોનો સ્ટાફ જાેડાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
ગત વર્ષે કોરોનાના લીધે મંદિર બંધ રહ્યું હતું પરંતુ આ વર્ષે છૂટછાટ મળતાં જ ભક્તોનો ભારે ધસારો જાેવા મળ્યો હતો. ભક્તોને આરતીમાં પણ પ્રવેશ અપાયો હતો. માતાજીને છપ્પન ભોગનો અન્નકૂટ પણ ધરાવાયો હતો. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ૫ નવેમ્બરે બેસતા વર્ષના દિવસે સવારે ૬ વાગ્યે મંગળા આરતી થઈ હતી.
અંબાજી મંદિર રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લુ રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં માઈભક્તોએ દર્શન કર્યા હતા. તહેવારો દરમિયાન ભક્તોએ દિલ ખોલીને માતાજીના ચરણમાં ભેટ અર્પણ કરી હતી અને ભંડારો છલકાવ્યો હતો. માતાજીના સુવર્ણ શિખર માટે અને માતાજીના દાગીના માટે સોનું પણ દાન કરવામાં આવ્યું હતું.SSS