દિવાળીમાં દિલ્હીમાં કોરોના વકર્યો: ગુજરાતને ચેતવણી
નવી દિલ્હી, ભારતમાં કોરોના વાયરસની મહામારીના આંકડા રોજ ૫૦,૦૦૦ કરતા ઓછા આવી રહ્યા છે. મોટાભાગના રાજ્યોમાં રોજ કેસની સંખ્યા ઘટી રહી છે પરંતુ દિલ્હીમાં રોજ કેસ વધી રહ્યા છે. દિલ્હીમાં પહેલીવાર ૮,૦૦૦ કરતા વધારે નવા કેસ નોંધાયા છે. દિલ્હી સરકાર માની ચૂકી છે કે કોરોનાની આ ત્રીજી લહેર છે. આ સાથે દિવાળીના તહેવાર નિમિત્તે બજારોમાં થતી ભીડ પણ કોરોના ફેલાવા માટે જવાબદાર થઈ રહી છે. દિલ્હીમાં વધતા કેસને જોતા મહારાષ્ટ્ર સરકારે પણ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કોરોનાની બીજી લહેર આવવાની ચિંતા વ્યક્ત કરી છે. માટે સ્વાસ્થ્ય વિભાગને પણ પહેલાથી તૈયાર રહેવા નિર્દેશ કર્યો છે. આવામાં ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં કોરોના વધતા કેસોના કારણે ચિંતાનો વિષય બની શકે છે.
સ્વાસ્થ્ય વિભાગ મુજબ પાછલા ૨૪ કલાકમાં કોરોનાના ૪૭,૯૦૫ નવા કેસ નોંધાયા છે. આ સતત પાંચમો દિવસ છે જ્યારે ૫૦,૦૦૦ કરતા ઓછા કેસ નોંધાયા છે. આ દરમિયાન ૫૫૦ દર્દીઓના મોત થયા છે જેની સાથે કુલ મૃત્યુઆંક ૧,૨૮,૧૨૧ થયો છે. એક્ટિવ કેસ પણ ૫ લાખની નીચે આવી ગયા છે. ગુરુવારે સવારે દેશમાં કોરોનાના ૪,૮૯,૨૯૪ કેસ હતા. રિકવરી રેટ પણ લગભગ ૯૨.૮૯ થઈ ગયો છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના ૮૦,૬૬,૫૦૨ દર્દીઓ સાજા થયા છે. કોરોનાના નવા કેસમાં દિલ્હી ટોપ પર પહોંચી ગયું છે. આવામાં મહારાષ્ટ્ર અને કેરળમાં પણ કેસમાં ઉછાળો આવી રહ્યો છે.
ગુજરાતમાં પાછલા અઠવાડિયાના અંતથી ૧૦૦૦થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે જેમાં અમદાવાદમાં નવા વિસ્તારોમાં કોરોના પ્રસરી રહ્યો છે જેના કારણે ચિંતા વધી રહી છે. અમદાવાદમાં ખરીદી કરવા માટે ઉમટી પડેલી ભીડની તસવીરો સામે આવી રહી છે જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનો અભાવ જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાંમાં દિવાળીની ખરીદી માટે ગુજરાતભરમાંથી લોકો આવી પહોંચતા હોય છે આવામાં રાજ્યના અન્ય ભાગોમાં કોરોના વકરે નહીં તે માટે મહત્વના પગલા ભરવા જરુરી છે. લોકો સરળતાથી ટેસ્ટ કરાવી શકે તે માટે અમદાવાદમાં લગભગ તમામ વોર્ડ કોરોનાના એન્ટીજન ટેસ્ટ (રેપીડ ટેસ્ટ) માટે ટેન્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં ૧૨ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની એએમસી દ્વારા મંજૂરી આપવામાં આવી છે ત્યારે શહેરના લાલદરવાજા વિવિધ વિસ્તારોમાં ભરતા બજારોમાં પુષ્કળ ભીડ દેખાઈ રહી છે. આ જ રીતે મુંબઈ, દિલ્હી સહિતના રાજ્યમાં દિવાળીની કપડા, મીઠાઈ, ફટાકડા વગેરેની ખરીદી માટે પણ બજારોમાં ભીડ જોવા મળી રહી છે, આવામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ના થતું હોવાથી કોરોના વકરવાની સંભાવના વધી રહી છે. આવામાં જો એક વ્યક્તિ પોઝિટિવ હોય અને તે વ્યક્તિએ જ માસ્ક ના પહેર્યું હોય તો તેના સંપર્કમાં આવનારા ઘણાં લોકોને કોરોનાનો ચેપ લાગી શકે છે.
મહારાષ્ટ્ર સરકાર એ માનીને ચાલી રહી છે કે આગમી વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો સામનો કરવો પડી શકે છે. ૬ પાનાના દસ્તાવેજમાં તેના નિરાકરણ માટેના પગલા ભરવાના સૂચનો કરવામાં આવ્યા છે. જેમાં ફટાકડા મુક્ત દિવાળીનો પણ સમાવેશ થાય છે. સરકાર ઈન્ફ્લુએન્ઝા જેવી બીમારીઓનું મોનિટરિંગ પણ કરશે જેતી કોરોના ફેલવાની શરુઆતના સંકેતોનો ખ્યાલ આવી શકે છે. સુપર સ્પ્રેડર્સ પર નજર રાખવા માટે જણાવાયું છે.SSS