દિવાળીમાં પરિવાર ફરવા ગયો, તસ્કરોએ ઘરમાંથી 13 લાખની મત્તાની ચોરી કરી
રાજ્યપાલના ફોટોગ્રાફરના ઘરમાંથી લાખોની ચોરી થઈ
અમદાવાદ, ગુજરાતમાં હવે ચોરો નેતાઓ અને સરકારી અધિકારીઓના ઘરે ચોરી કરીને હાહાકાર મચાવી રહ્યાં છે. આવામાં ગુજરાતના રાજ્યપાલના નિમાયેલ ખાનગી ફોટોગ્રાફરના ઘરે તસ્કરો ત્રાટક્યા છે. તેઓ પરિવાર સાથે દર્શન અર્થે ગયા હતા ત્યારે તસ્કરો ઘરમાથી લાખોના મત્તાની ચોરી કરી છે.
અમદાવાદ પોશ એવા સેટેલાઇટ વિસ્તારમાં હર્ષદ ઝાટકીયા રહે છે. જેઓ ગુજરાત રાજ્યપાલના નિમાયેલા ફોટોગ્રાફર છે. હર્ષદભાઈ અને તેમનો પરિવાર ગત ૬ નવેમ્બરથી ૧૦ નવેમ્બર સુધી પોતાના પરિવાર સાથે દિવાળીઓની રજામાં ફરવા ગયો હતો. પરિવાર માતાજીના દર્શન અને બાવળા ખાતે કેન્સવિલેમાં રોકાવા માટે ગયા હતા.
જ્યારે ૧૦ નવેમ્બરના રોજ હર્ષદભાઈ અને તેમનો પરિવાર પરત ફર્યો ત્યારે તેમણે જાેયુ કે ઘરનો મુખ્ય દરવાજાે તૂટેલો હતો અને ઘરમાં બધો જ સામાન વેરવિખેર હતો. તેમણે આખુ ઘર જઈને ચેક કર્યુ તો, ઘરમાંથી અનેક સામાન ગાયબ હતો. કુલ ૧૩ લાખની રોકડ સહિત સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી.
ત્યારે હર્ષદભાઈએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સેટેલાઇટ પોલીસે ઘટના સ્થળ પર આવી ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધી હતી. તથા સોસાયટીમાં લગાલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. જેમાં સીસીટીવીમાં ત્રણ તસ્કરો નજરે પડ્યા છે. સેટેલાઇટ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને ઘરફોડ ચોરને ઝડપી પાડવા માટે પ્રયાસ હાથ ધર્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હવે તસ્કરો બેફામ બન્યા છે. વધતા જતા ગુનાઓ પર પોલીસની કોઈ લગામ નથી. અનેક શહેરોમાં ક્રાઈમ રેટ સતત વધી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ જેવા મેગા સિટીમાં વૃદ્ધો, બાળકો, એકલા રહેતા લોકોને ટાર્ગેટ બનાવાઈ રહ્યાં છે.