દિવાળીમાં મિઠાઈ, ફરસાણનું સ્થાને હવે ચ્યવનપ્રાશ ચલણમાં
અમદાવાદ: દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સામાન્ય રીતે લોકો ભેટ સ્વરૂપે એક બીજાને મિઠાઈ, ફરસાણ અને ડ્રાયફ્રૂટ્સના બોક્સ આપવાનું શરૂ કરે છે. પરંતુ હાલ ભારત સહિત વિશ્વભરમાં કોરોનાની મહામારી ચાલી રહી હોવાથી આ વખતે ટ્રેડિશનલ મિઠાઈ અને ફરસાણ આપવાના બદલે ચ્યવનપ્રાશ, ઈમ્યુનિટી બૂસ્ટર ચોકલેટ મોકલવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. ચ્યવનપ્રાશ અને ઈમ્યુનિટી બૂસ્ટર ઉપરાંત જુદા-જુદા વનસ્પતિ કે ફૂલના સીડ્સ, શુદ્ધ મધ અને મધની જુદી-જુદી વસ્તુઓ પણ દિવાળીમાં ભેટ સ્વરૂપે મોકલી રહ્યા છે.
ફૂડ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા દિલીપ ઠક્કરના જણાવ્યા મુજબ કોરોનાના સમયમાં આરોગ્ય સચવાઈ રહે તે માટે ચાલુ વર્ષે ઘણા લોકો પોતાના સ્વજનોને દિવાળીની શુભકામનાઓ સાથે ચ્યવનપ્રાશ, ઈમ્યુનિટી બૂસ્ટર ચોકલેટ્સ આપી રહ્યા છે. આ ઉપરાંત વિવાશા જાડેજાના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે દિવાળીના જે ગિફ્ટ હેમ્પર આપવામાં આવી રહ્યા છે તેમાં લોકો કંઈક એવું આપવા માંગે છે, જે પોતાના સ્વજનો માટે ફાયદાકારક રહે.
ચાલુ વર્ષે દિવાળી ગિફ્ટ માટે ખાસ આયુર્વેદિક ચોકલેટ જુદા-જુદા પ્રકારના જ્યૂસ, રોગપ્રતિકારક શક્તિ વઘારવા પીણાં કે ખાવાની વસ્તુઓ મોકલી રહ્યા છે. આવી જ કામગીરી સાથે સંકળાયેલા ઈશાન ભટ્ટના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે લોકો ડ્રાયફ્રૂટ્સ બોક્સ મોકલવાની જગ્યાએ ફૂલ અથવા ફળના સીડ્સ મોકલતા થયા છે.
જેમાં ખાસ કરીને સનફ્લાવર અને વોટરમેલન સહિત જુદા-જુદા સાત પ્રકારના સીડ્સનું ખાસ પેકિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત દેશી ચણાને પણ જુદી-જુદી ફ્લેવરમાં તૈયાર કરવામાં આવે છે. તેની પણ ખૂબ જ માંગ છે. દિવાળીના તહેવારને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે પ્રમાણે દિવાળીના તહેવારોમાં રાત્રે ૮થી ૧૦ સુધી જ ફટાકડા ફોડી શકાશે. જ્યારે ફટાકડાના ઓનલાઈન વેચાણ અને મોટો અવાજ કરતા ફટાકડાઓ ફોડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શહેરના ઈન્ચાર્જ પોલીસ કમિશનરે ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ફોડવા અંગે કેટલાક નિયમોનું ચૂસ્તપણ પાલન કરવા જણાવ્યું છે.