દિવાળી પર્વમાં કડકડતી નોટો લેવા બેન્કોમાં ધસારો
અમદાવાદ, દિવાળી આવતા જ દરેક વ્યક્તિ કડકડતી નોટો મેળવવા પડાપડી કરતા હોય છે. આ તહેવારોમાં લક્ષ્મી અને સંપત્તિનું પૂજન અર્ચન કરાય છે.આ ઉપરાંત વ્યવહારમાં આપલે કરવા માટે નવી નોટોનું ચલણ વધુ હોય છે. નવી નોટોની માગને ધ્યાનમાં રાખીને કેટલીક બેન્કોએ તેમના એટીએમમાં રૂ. ૧૦૦, ૫૦૦ અને ૨૦૦૦ના દરની કડકડતી નોટો મૂકવાનનું શરૂ કરી દીધું છે. તે સિવાય ૧૦, ૨૦ અને ૫૦ રૂ.ના બંડલ મેળવવા માટે બેન્કો પર અત્યારથી જ કતારો જોવા મળી રહી છે.
દિવાળીમાં મા લક્ષ્મીની કૃપા સૌ પર વરસે એવી કામના કરવામાં આવે છે તેથી કડકડતી નોટો મેળવવા માટે બેન્કોમાં ધસારો વિશેષ રૂપે વધી જાય છે. તહેવાર પહેલાં જ ખાનગી તથા જાહેર ક્ષેત્રની બેન્કોએ પોતાના ગ્રાહકો માટે નવી કડકડતી નોટો એટીએમમાં મૂકવાની શરૂ કરી દીધી છે. જેથી તેઓ તહેવાર પહેલા પોતાની જરૂર પ્રમાણે કડકડતી નોટો મેળવી શકે છે જાકે એટીએમમા માત્ર રૂ. ૧૦૦, ૫૦૦ અને ૨૦૦૦ની નોટો નીકળતી હોવાથી અનેક લોકો બેન્ક ઉપરથી રૂબરૂ નોટો લેવા માટે પહોંચી રહ્યા છે.