દિવાળી પર તિહાડ જેલમાં ફેશન શો, કેદીઓ માટે ભોજનમાં શાહી પનીર અને પિઝા
નવીદિલ્હી, દિવાળી ઉપર તિહાડ જેલમાં પણ ઉત્સવનો માહોલ છે. આ દરમિયાન અહીંના કેદીઓ માટે પણ એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. તિહાડ જેલના કેદીઓને પાર્ટીઓમાં જેલના સામાન્ય ભોજન ઉપરાંત પિઝા, પાણીપુરી, સમોસા અને આલુ ટિક્કી પીરસવામાં આવશે. જેલ તંત્ર તરફથી જાણકારી આપવમાં આવી છે કે તિહાડની જેલ નંબર છની મહિલા કેદીઓને ગુરુવારે પિઝા પાર્ટી આપવામાં આવશે. આ માટે જેલમાં જ પિઝા બનાવવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા કેદીઓ ઘણા લાંબા સમયથી જેલમાં પિઝા ખવડાવવાની માંગણી કરી રહી હતી. આ વાત જિલ્લા જંલ તંત્રએ સ્વાકારી લીધી છે. આ ઉપરાંત જેલના કેદીઓ માટે ફેશન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મંગળવારે તિહાડ જેલમાં રંગારંગ કાર્યક્રમ અને ફેશન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા કેદીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ ફેશન શોમાં મિઝોરમની એક મહિલા કેદી સ્ટાપર રહી હતી. જોકે, તેણીને મંગળવારે જામીન મળી ગયા હતા, પરંતુ તેણી જેલમાં એક દિવસ વધુ રહી હતી. કાર્યક્રમમાં નાઇઝિરિયાની એક મહિલા કેદીએ ભાંગડા પણ કર્યાં હતાં. જેલ તંત્રનું કહેવું છે કે હાલ જેલમાં દિવાળીની ઉજવણી ચાલી રહી છે. એવામાં તમામ જેલોમાં કોઈને કોઈ કાર્યક્રમો ચાલી રહ્યા છે. એવામાં તિહાડ જેલ, મંડોલા જેલ અને રોહિણીમાં કેદીઓને લંચમાં શાહી પનીર, મલાઈ ચાપ, દાલ મખની, આલુ ટિક્કી સહિતના વ્યંજનો પીરસવા પર વિચાર ચાલી રહ્યો છે.