દિવાળી બાદ સુરતમાં આવતા લોકોનો RT-PCR ફરજિયાત
સુરત, શું તમે આ દિવાળી વેકેશન પર શહેર બહાર ફરવાનું આયોજન કરી રહ્યા છો? તો તમારે પરત ફરતી વખતે ફરજિયાત RT-PCR રિપોર્ટ દેખાડવો પડશે. તહેવાર દરમિયાન અથવા પછી કોવિડ-૧૯ના કેસોમાં વધારો થવાની શક્યતાને નિષ્ફળ બનાવવા માટે સુરત મહાનગરપાલિકાએ વેકેશન પરથી પરત ફરવા પર ૭૨ કલાકની અંદર કરાવેલો ફ્રેશ RT-PCR રિપોર્ટ દેખાડવા માટેનો આદેશ મંગળવારે આપ્યો હતો.
જાે કે, બુધવારે એસએમસીના ઉચ્ચ અધિકારીઓએ તેવી સ્પષ્ટતા કરી હતી કે આ નિયમ ખાસ કરીને ગુજરાત બહાર જતા લોકો માટે લાગુ પડશે અને ગુજરાતમાં ફરતા પ્રવાસીઓ માટે નહીં. પરંતુ હજી સુધી તે સ્પષ્ટ થયું નથી કે મહાનગરપાલિકાની આરોગ્ય ટીમો અન્ય રાજ્યોમાંથી પરત આવેલા લોકોની ઓળખ કેવી રીતે કરશે.
પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ તેમજ દેશના અન્ય ભાગમાંથી સુરત સ્થાયી થયેલા લાખો લોકો દિવાળી વેકેશન માટે તેમના વતન જાય છે. તેઓ ૧૫થી ૨૦ દિવસના વેકેશન બાદ પરત ફરે છે અને એસએમસીના આરોગ્ય અધિકારીઓ શહેરમાં અન્ય પ્રવાસીઓ સિવાય તેમના RT-PCR રિપોર્ટ્સ તપાસવાની યોજના ધરાવે છે.
જાે કોઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો અમે તે દર્દીને ટ્રેક કરીશું અને તે વ્યક્તિ ગાઈડલાઈન્સનું પાલન કરે તેની ખાતરી કરીશું. જાે વ્યક્તિ પાસે રિપોર્ટ નહીં હોય તો અમે તેમની માહિતી લઈશું અને તેમનો ટેસ્ટ કરાવીશું’, તેમ શહેર મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
વધારે પોઝિટિવિટી રેટ ધરાવતા રાજ્યોમાં મુલાકાત લઈ રહેલા લોકો કોવિડ-૧૯ પ્રોટોકોલનું પાલન કરે તેની ખાતરી માટે આ અપીલ કરવામાં આવી છે. અને જ્યારે તેઓ પાછા ફરે ત્યારે તેમાંથી કોણ પોઝિટિવ છે તેની અમે ઓળખ કરી શકીએ છીએ’, તેમ મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું હતું.
રોડ, રેલવે, હવાઈ અને દરિયાઈ માર્ગે આવતા તમામ પ્રવાસીઓને આ અપીલ હેઠળ આવરી લેવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ મહારાષ્ટ્રથી શહેરમાં આવ્યો હતો, જ્યારે તે ત્યાં વધારે પ્રમાણમાં ફેલાયેલો હતો.SSS