દિવાળી વેકેશનમાં ખોડલધામમાં ઉમટી પડ્યું ભક્તોનું ઘોડાપૂર
કાગવડ:મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એવું જેતપુરના કાગવડ ગામ પાસે આવેલું ખોડલધામ દેશ-વિદેશમાં જાણીતું બની ગયું છે. ટૂંકાગાળામાં જ ખોડલધામની ભક્તિની સુવાસ ચારેકોર ફેલાઈ ચૂકી છે. ધર્મ સ્થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્ટ્ર વિસ્તારનું પ્રવાસન ધામ પણ બની ગયું છે.
એમાંય વેકેશનના દિવસોમાં તો ખોડલધામ મંદિરે દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. દિવાળીના વેકેશનમાં પણ દેશ-વિદેશના લાખો ભક્તોએ ખોડલધામની મુલાકાત લઈ મા ખોડલના આશીર્વાદ મેળવી નવા વર્ષનો મંગલ પ્રારંભ કર્યો. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોવાથી કોઈ પણ જાતની તકલીફ ઉભી ન થાય તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
હિંદુ ધર્મમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારનું એક આગવું મહત્વ છે. અગિયારસથી લઈને લાભ પાંચમ સુધી તહેવારોની હારમાળા હોય છે અને વેકેશનના દિવસો હોવાથી લોકો ધાર્મિક સ્થળો પર ઉમટી પડતાં હોય છે. જ્યારથી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી દરેક તહેવારોમાં મોટી સંખ્યામાં ભાવિકો મા ખોડલના દર્શન માટે આવી પહોંચે છે. નવા વર્ષનો પ્રારંભ લોકો દેવી-દેવતા અને વડીલોના આશીર્વાદ લઈને કરતાં હોય છે ત્યારે આ વર્ષે પણ દિવાળી અને નવા વર્ષના તહેવારમાં લાખો ભક્તોએ ખોડલધામમાં મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને નવા વર્ષનો પ્રારંભ કર્યો છે.