દિવાસો એટલે પછીના ૧૦૦ દિવસોમાં આવતા વિવિધ તહેવારોને વધાવવાનો દિવસ
ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા ચામુંડા સ્મશાનગૃહ ખાતે દિવાસો તહેવારમાં ઉપસ્થિત રહ્યા
દિવાસો એટલે પછીના ૧૦૦ દિવસોમાં આવતા વિવિધ તહેવારોને વધાવવાનો દિવસ. દિવાસો આદિવાસી સંસ્કૃતિમાં અનેરું સ્થાન ધરાવે છે તો દેવીપુજક સમાજ આ દિવસે પૂર્વજોને યાદ કરે છે. અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ ચામુંડા સ્મશાનગૃહે દિવાસોના દિવસે દેવીપૂજક સમાજ પૂર્વજોને શ્રદ્ધાંજલી આપવા એકત્રિત થાય છે. આ દિવસે અહીં લઘુ મેળો ભરાય છે. ચામુંડા સ્મશાનગૃહ ખાતે રાજ્યના ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા દિવાસોના તહેવારમાં ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીશ્રીએ કહ્યુ કે, આપણે તહેવાર પ્રિય પ્રજા છીએ. દરેક સમાજ-સમુદાય પોતાની આગવી રીતે વિવિધ તહેવારો ની ઉજવણી કરતો હોય છે. મંત્રીશ્રીએ હિંદુ સંસ્કૃતિનું જતન કરતી દિવાસો પરંપરા ને જીવંત રાખવા બદલ દેવીપુજક સમાજને અભિનંદન પાઠવ્યા હતા. દેવીપૂજક સમાજના પૂર્વજોને ગૃહમંત્રીશ્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને સમાજના સામૂહિક તહેવારમાં ભાગીદાર બન્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રી વલ્લભભાઇ કાકડિયા અને પ્રદીપભાઇ પરમાર તથા દેવીપૂજક સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.