દિવ્યાંગ કારીગરે વિસરાતી માટીકામ કળાને જાળવી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

(પ્રતિનિધિ) બાયડ, આજના યુગમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ અને વિરાસત ધીમે ધીમે લુપ્ત થવા જઈ રહી છે ત્યારે આપણી આ વિરાસતને જાળવી રાખવા માટે કેટલાક લોકો સતત પ્રયત્નશીલ રહી સમાજને નવો રાહ ચીંધી રહ્યા છે બાયડ તાલુકાના સરસોલી ગામ ના એક દિવ્યાંગ કારીગરે વિસરાતી કલાને જાળવી રાખવાનો પ્રયત્ન કરેલ છે.
સરસોલી ગામ ના ગીરીશભાઈ પ્રજાપતિ માટીના વાસણો બનાવે છે તેમણે જણાવ્યું હતું કે પ્રાચીન સમયમાં ધાતુના વાસણો ઓછા હતા તેથી તે સમયે લોકો માટીના વાસણોમાં રાંધવાનું પસંદ કરતા હતા તેના કારણે લોકોમાં બીમારીનું પ્રમાણ પણ ઓછું જાેવા મળતું હતું.
તેમને માટીકામની આ કળા કેટલા પૂર્વજાે પાસેથી શીખવા મળી હતી તેમણે પ્રાચીન સમયમાં જાેવા મળતો એક માટીનો અનોખો દીવો તૈયાર કર્યો છે હવે તેમનું કહેવું છે કે આ દીવામાં ઘી અથવા તો તેલ પૂરવામાં આવે તો આ દીવો ૪૦ કલાક સુધી સળગતો રહે છે.
આ દીવો તૈયાર કરવામાં ૪ કલાક જેટલી મહેનત થાય છે આમ આજના યુગમાં પણ માટીના વાસણ જેવો વ્યવસાય કરી આ દિવ્યાંગ કારીગર સમાજને નવી દિશા બતાવવાનું કામ કરી રહ્યા છે.