દિવ્યાંગ મૂક બધિર વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ શિક્ષક તરીકે હિરેનકુમાર ગોહેલને સન્માનિત કરાયા
રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક સન્માન ૨૦૨૨ પંચમહાલ જિલ્લાના ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલયમાં ફરજ બજાવતા હિરેનકુમાર ગોહેલને દિવ્યાંગ બાળકોના ખાસ શિક્ષક કેટેગરીમાં રાજ્યકક્ષાએ કરાયા સન્માનિત
ગોધરા,તારીખ ૫મી સપ્ટેમ્બર સમગ્ર ભારતમાં ડો. સર્વપલ્લી રાધાક્રિષ્ણનના જન્મ દિવસે ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વર્ષ ૨૦૨૨ માટે ગુજરાત સરકાર દ્વારા કુલ ૪૪ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનીત કરવામાં આવ્યા હતા.
પંચમહાલ અનુસુચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ‘ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલય, ગોધરામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હિરેનકુમાર જયંતિલાલ ગોહેલને ‘દિવ્યાંગ બાળકોના ખાસ શિક્ષક’ ની કેટેગરીમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનીત કરવામાં આવતા પંચમહાલ શિક્ષણ પ્રેમીઓમાં ખુશી જોવા મળી હતી.
હિરેનકુમારની દિવ્યાંગ મૂક બધિર વિદ્યાર્થીઓના શિક્ષણ અને પુનર્વસનની કામગીરી તેમજ સમાજ સેવાની વિવિધ કામગીરીની નોંધ લઈ રાજ્ય સરકાર દ્વારા તારીખ ૫ સપ્ટેમ્બરે અમદાવાદનાં ટાગોર હૉલ ખાતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ શાલ ઓઢાડી સન્માન કર્યું. તેમજ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનીત કર્યા હતા.
ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ ૫૧,૦૦૦/ રૂપિયા રોકડ પુરસ્કાર આપી તેમને સન્માનીત કર્યા હતા. પંચમહાલ જિલ્લામાથી સૌપ્રથમવાર આ દિવ્યાંગ બાળકોના ખાસ શિક્ષકની કેટેગરીમાં હિરેનકુમારની પસંદગી રાજ્ય પરિતોષિક માટે થઈ હોય સમગ્ર પંચમહાલ જિલ્લા માટે તેમજ દિવ્યાંગ મૂક બધિર બાળકો માટે ગૌરવ લેવા જેવી વાત છે.
તસ્વીર:- મનોજ મારવાડી, ગોધરા